ગર્ભમાં દીકરીઓની હત્યા કરનારા ફાર્માસિસ્ટની ધરપકડ

Tuesday 12th May 2026 17:54 EDT
 
 

સુરતઃ વરાછા વિસ્તારમાં ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં ગર્ભમાં જ બાળકીઓની હત્યા કરનારા ફરાર ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલની 8 મેએ પોલીસે ધરપકડ કરી છે. આરોપી રામગોપાલ મમતા હોસ્પિટલના નામે ગેરકાયદે ગર્ભપાતનું નેટવર્ક ચલાવતો હતો. દરોડા દરમિયાન આ લેભાગુ તબીબનાં કાળાં કારનામાં જોઈને અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા.
6 મહિના પહેલાં જેલ ગયો હતો
નવેમ્બર 2025માં પણ આ જ રામગોપાલ શિવાય હોસ્પિટલના નામે ગર્ભપાત કરતાં પકડાયો હતો. તેની સામે ફોજદારી ગુનો નોંધાયો હોવા છતાં કાયદાના જરાપણ ડર વગર તેણે માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં એ જ જૂના સ્થળે મમતા હોસ્પિટલનું નવું બોર્ડ મારી ગેરકાયદે પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી. આરોપી એટલો બેખોફ હતો કે તે રૂ. 10 હજારમાં ઘરે જઈને ગર્ભ પરીક્ષણ કરી આપતો અને રૂ. 15 હજારમાં અસુરક્ષિત રીતે ગર્ભપાત કરી આપવાની સુવિધા પૂરી પાડતો હતો. તેનાં આ કાળાં કારનામાંની ચર્ચા સુરત જ નહીં મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી ફેલાયેલી હતી.


comments powered by Disqus