વડોદરાઃ ભારતનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયા એરબસ C295 લશ્કરી વિમાન ટાટાના વડોદરા ફેસિલિટીથી રૂ. 21,935 કરોડના સંરક્ષણ સોદા હેઠળ લોન્ચ કરાયું હોવાના અહેવાલ છે. અહેવાલ અને સોશિયલ મીડિયા પર ફરતા વાઇરલ વીડિયો અનુસાર ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડે વડોદરામાં તેની અંતિમ એસેમ્બલી લાઇનથી પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ C295 લશ્કરી પરિવહન વિમાન લોન્ચ કર્યું છે. જો કે એરબસ કે ટાટા તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતના મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ આ રોલઆઉટને એક મુખ્ય સીમાચિન્હ તરીકે જોવામાં આવી રહ્યું છે. C295 પ્રોગ્રામ ભારત અને સ્પેન વચ્ચે વર્ષ 2021માં રૂ. 21,935 કરોડના ખર્ચે 56 લશ્કરી પરિવહન વિમાનોની ખરીદી માટેના કરારથી ઉદ્ભવ્યો છે. આ કરાર હેઠળ સ્પેનના સેવિલેમાં એરબસ ફેસિલિટીથી 16 વિમાન ફ્લાય-અવે સ્થિતિમાં પૂરાં પાડવામાં આવી રહ્યાં છે, જ્યારે બાકીનાં 40 વિમાન ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા સંચાલિત વડોદરા પ્લાન્ટમાં બનાવવામાં આવી રહ્યાં છે. અહેવાલો સૂચવે છે કે આ વિમાન આ અઠવાડિયે અંતિમ એસેમ્બલી લાઇનથી રોલઆઉટ કરાયું હતું. લગભગ 70 ટકા વિમાનના પાર્ટ્સ સ્થાનિક રીતે મેળવવામાં આવી રહ્યા છે, જ્યારે પ્રાટ એન્ડ વ્હીટની એન્જિન આયાત કરવામાં આવી રહ્યાં છે. C295 એક બહુમુખી લશ્કરી પરિવહન વિમાન છે, જે સૈનિકો, કાર્ગો, તબીબી સહાય પહોંચાડવા અને દેખરેખ સાધનોને વહન કરવામાં સક્ષમ છે. આ મેક ઇન ઇન્ડિયા પ્લેન 9 ટન પેલોડ અથવા 71 કર્મચારીને લઈ અને ટૂંકી-કાચી હવાઇસ્ટ્રીપથી સંચાલન માટે પણ સક્ષમ છે.

