દુનિયાની કોઈ શક્તિ ભારતને દબાવી શકે નહીં: મોદી

Tuesday 12th May 2026 17:32 EDT
 
 

વેરાવળઃ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથનાં સાંનિધ્યમાં સોમવારે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુનઃ નિર્માણનાં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થવા વડાપ્રધાન મોદી સોમનાથ પધાર્યા હતા.
આ તકે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જેનું નામ ‘સોમ’ (ચંદ્ર) છે, તેને કોઈ નષ્ટ કરી શકતું નથી. ભારત તેની આધ્યાત્મિક ચેતના અને અડગ સંકલ્પશક્તિના જોરે આજે વિશ્વફલક પર અજેય બની રહ્યું છે.
ઐતિહાસિક કુંભાભિષેક અને વિશિષ્ટ પૂજા
વડાપ્રધાન મોદીએ એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના 90 મીટર ઊંચા શિખર પર 11 પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવાઈ હતી. વડાપ્રધાને સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરાતાં વાતાવરણ દિવ્ય બન્યું હતું.
પોખરણ અને શિવ-શક્તિ
જનસભાને સંબોધતાં વડાપ્રધાને 11 મેનું ઐતિહાસિક મહત્ત્વ સમજાવતાં પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. તેમણે કહ્યું, આજે 11 મે છે, આજના જ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. જ્યારે વિશ્વની શક્તિઓ ભારતને ઘેરવા માગતી હતી, ત્યારે ભારતે ડગ્યા વગર ‘ઓપરેશન શક્તિ’ સફળ બનાવ્યું હતું. શિવની સાથે શક્તિની પૂજા આપણી પરંપરા છે, એટલે જ અમે ચંદ્રયાનના લેન્ડિંગ પોઇન્ટને પણ ‘શિવ-શક્તિ’ નામ આપ્યું છે.
ગુજરાત માત્ર મીઠાના ઉત્પાદન માટે જાણીતું હતુંઃ મોદી
મોદી રાત્રે જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે આયોજિત જનસભાના સ્થળે પહોંચ્યા હતા. પશ્ચિમ બંગાળ, અસમ અને પુડ્ડુચેરીમાં ભાજપની પ્રચંડ જીત બાદ પ્રથમ વખતની વડાપ્રધાનની ગુજરાત મુલાકાત હતી. આ નિમિત્તે વડાપ્રધાનનું મંત્રી અર્જુન મોઢવાડિયા, રિવાબા જાડેજા, સાંસદ પૂનમબહેન માડમ સહિતના મહાનુભાવો દ્વારા શાલ-ખેસ અને સ્મૃતિચિન્હ સાથે ભવ્ય સન્માન કરાયું હતું. પીએમ મોદીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે ગુજરાત માત્ર મીઠાના ઉત્પાદન માટે જાણીતું હતું, પરંતુ આજે ગુજરાત સેમિકંડક્ટર, મેટ્રો કોચ અને આધુનિક રેલવે એન્જિન બનાવે છે અને હવે વિમાન બનાવવાની પણ તૈયારીમાં છે. ગુજરાત ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી બનાવનાર પ્રથમ રાજ્ય છે. રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે દેશના વિકાસમાં ગુજરાતનો સિંહફાળો છે.


comments powered by Disqus