ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે ગુજરાતમાં કુલ રૂ. 3936 કરોડના બે નવા સેમિકંડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તેમાં ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં રૂ. 3068 કરોડનું રોકાણ કરશે, જ્યારે સૂચિ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ સુરતમાં રૂ. 868 કરોડનું રોકાણ કરશે. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, આ બંને પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં વધુ એક મહત્ત્વપૂર્ણ સીમાચિન્હ સાબિત થશે.
મોઢવાડિયાએ જણાવ્યું કે, ગુજરાતે પહેલેથી જ સેમિકંડક્ટર ઉદ્યોગ માટે સમર્પિત નીતિ જાહેર કરી છે, જેના કારણે રાજ્યમાં અંદાજે રૂ. 1.24 લાખ કરોડના 4 મોટા પ્રોજેક્ટ આકર્ષાયા છે. નવા બે પ્રોજેક્ટ ઉમેરાતાં ભારતના સેમિકંડક્ટર ક્ષેત્રમાં ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બન્યું છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે સેમિકંડક્ટર નીતિ અમલમાં મૂકી હતી, તેના પરિણામે ભારત સેમિકંડક્ટર અભિયાન હેઠળ મંજૂર થયેલા 12 પૈકી 6 પ્રોજેક્ટ ગુજરાતને મળ્યા છે, જે રાજ્યને આ ક્ષેત્રમાં અગ્રેસર બનાવે છે.
વધુ એક કંપની સાણંદ આવી
અમેરિકાની ચિપ ઉત્પાદક કંપની માઇક્રોન સાથે જોડાયેલી મલેશિયન કંપની હોતાથી ઇલેક્ટ્રોનિક્સે સાણંદ જીઆઇડીસીમાં એડવાન્સ સેમિકંડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે અંદાજે રૂ. 700 કરોડના રોકાણની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કંપનીને 5 હેક્ટર જમીન માટે ઓફર કમ એલોટમેન્ટ પત્ર આપ્યો છે. કંપની આગામી 10 વર્ષ દરમિયાન તબક્કાવાર રોકાણ કરશે.

