મોરબીઃ વાંકાનેરમાં વિધર્મી વ્યક્તિ દ્વારા ભાજપને મત આપવાના ઓડિયોમાં ભાજપના ધારાસભ્ય જિતુ સોમાણીને જોડીને વાઇરલ કરાયેલી ક્લિપ સામે સોમાણીએ વળતો જવાબ આપતાં તેનાં ઉચ્ચારણ ચર્ચાસ્પદ બન્યાં છે. સોમાણીએ જણાવ્યું હતું કે, જે મુસ્લિમ વ્યક્તિ ભાજપને મત આપવાની વાત કરતો હતો તેના ગામ દિયળિયામાં થોડાં વર્ષો પહેલાં ગાયોની કતલની ઘટના બની હતી, જેમાં ગૌસેવકોએ ગાયોના હત્યારા સામે કાર્યવાહી કરાવી પાસામાં પુરાવ્યા હતા. હાલમાં તેનો બદલો લેવા આ કૃત્ય આચર્યું હોઈ શકે છે. વાંકાનેરની અનેક હિન્દુ દીકરીઓને લવ જિહાદથી મુક્ત કરાવી છે અને મને મુસ્લિમોના મતની જરૂર જ નથી. હું વિધાનસભાની ચૂંટણી સમયે અનેક વખત બોલ્યો છું કે વિધર્મીઓ મને મતો આપી મતપેટી અભડાવશો નહીં. વાઇરલ વીડિયો પાછળની હકીકત જણાવતાં જિતુભાઈએ કહ્યું કે, એક કોંગ્રેસી કાર્યકરે ટિખ્ખળ કરવાના હેતુથી વીડિયો ઉતાર્યો હતો, જેનો વીડિયો વાઇરલ કરાયો છે.

