અમદાવાદઃ દેશભરનાં 20 રાજ્યમાં આચરાયેલી સાઇબર ઠગાઈના રૂ. 53 કરોડ જેમના એકાઉન્ટમાં ઠલવાયા હતા તેવા ખેડા અને આણંદના 10 શખ્સોની ગુજરાત સ્ટેટ સાઇબર સેલે ધરપકડ કરી છે. સાઇબર ફ્રોડના પૈસાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરતાં ગુજરાત પોલીસને એવી વિગતો પણ મળી છે કે, સાહિલ શબ્બિર મિયાં મલેક નામના એક શખ્સે કર્ણાટક બેન્કમાં પેટલાદના સલમાન વોરાનું બેન્ક ખાતું મુંબઈમાં એનસીપી આગેવાન બાબા સિદ્દિકીની હત્યાના આરોપીઓને પણ પૈસા માટે ઓપરેટ કરવા આપ્યું હતું. થોડા પૈસા માટે ભાડે અપાયેલાં 60 બેન્ક એકાઉન્ટમાં 132 સાઇબર ગુનાના પૈસાની હેરાફેરી થઈ હોવા અંગે તપાસ ચાલે છે.
ગુજરાત સ્ટેટ સાઇબર સેલની ટીમે સાઇબર ક્રાઇમ ગુનાખોરીના પૈસાની હેરાફેરી કરતા આણંદ-ખેડા વિસ્તારના 10 શખ્સોને પકડી પાડ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાં નોંધાયેલી 132 સાઇબર ફરિયાદોમાં રૂ. 53.55 કરોડની હેરાફેરી થઈ હતી, જેમાં પેટલાદના નિઝામુદ્દિન દીવાન, સાહિલ મલેક અને બોરસદના સોહિલ સલીમુદ્દીન મલેકની ભૂમિકા જણાઈ છે. તપાસમાં જણાયું છે કે, સાહિલ મલેકે પેટલાદના સલમાન વોરાનું કર્ણાટક બેન્કનું એકાઉન્ટ મહારાષ્ટ્રના બાબા સિદ્દિકી મર્ડર કેસના આરોપીઓને પૂરું પાડ્યું હતું. આ કેસમાં સલમાન વોરાની ધરપકડ કરાઈ હતી, આ કેસમાં જિજ્ઞેશ પટેલ, વનરાજ ભરવાડ, રાજેશભાઈ પટેલ, તુષાર વાણંદ અને કૃપલ દેસાઈને પકડી પાડ્યા છે.

