સુરતઃ વરાછાની એસબીઆઇ બેન્કમાં રૂ. 50 લાખની લૂંટના આરોપીએ પંચનામા સમયે કીમ નજીકના કન્યાસી ગામમાં ક્રાઇમબ્રાન્ચ પર ફાયરિંગ કર્યા બાદ સ્વબચાવમાં એસીપી કિરણ મોદીએ ફાયરિંગ કરતાં આરોપીને પગમાં ગોળી વાગી હતી. લુટારુ શુભમ ઠાકુરને પગમાં ગોળી વાગતાં સુરત સિવિલ ખસેડાયો હતો. પોલીસ પિસ્તોલ કબજે લેવા પોલીસ આરોપીને લઈ કન્યાસી ગામ લઈ ગઈ હતી, જ્યાં ખેતરમાંથી પિસ્તોલ કાઢી આરોપીએ પોલીસ પર જ ફાયરિંગ કરી દીધું હતુ. જો કે એસીપીએ પળવારમાં વળતો પ્રહાર કરી આરોપીને ઘાયલ કરી સકંજામાં લઈ લીધો હતો.
વરાછાની SBI બેન્કમાં થયેલી રૂ. 50 લાખની ચકચારી લૂંટનો ભેદ ક્રાઇમબ્રાન્ચે ઉકેલી નાખ્યો હતો. પોલીસે યુપીથી બે આરોપી શુભમ ઠાકુર અને વિકાસસિંઘને પકડી કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ તપાસમાં બિહારની જેલમાં કેદ કુખ્યાત કુંદન ભગતના ઇશારે બેન્ક લૂંટને અંજામ અપાયો હતો. પોલીસ પૂછપરછમાં કુંદન ભગતની આખી ગેંગનાં નામ બહાર આવી ગયાં હતાં.
માસ્ટર માઇન્ડે જેલથી સંચાલન કર્યું
આ લૂંટની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસમાં જણાયું છે કે, આ સમગ્ર લૂંટના તાર બિહારની જેલ સાથે સંકળાયેલા છે. બિહારના પટણામાં આવેલી આદર્શ સેન્ટ્રલ જેલમાં કેદ આરોપી કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગતે આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. જેલમાં હોવા છતાં તેણે મોબાઇલ કે અન્ય માધ્યમથી ગેંગ સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો અને સુરતની બેન્કને ટાર્ગેટ કરવાનો પ્લાન ઘડ્યો હતો. કુંદન દહેરાદૂનમાં રિલાયન્સ જ્વેલરીના શોરૂમમાં થયેલી રૂ. 14 કરોડની લૂંટના કેસમાં જેલમાં બંધ છે. પોલીસે આરોપીઓને ઝડપવા ઉપરાંત હવે કુંદનની પણ જેલમાંથી ધરપકડ કરી સુરત લાવી પૂછપરછ હાથ ધરશે.

