અમદાવાદઃ બોમ્બે હાઇકોર્ટે વર્ષ 2005ના સોહરાબુદ્દીન શેખ કથિત ફેક એન્કાઉન્ટર કેસમાં તમામ 22 આરોપીને બરી કરવાના નિર્ણયને યથાવત્ રાખ્યો છે. આ કેસમાં સોહરાબુદ્દીનની પત્ની કૌશરબી અને તેના સહયોગી તુલસીરામ પ્રજાપતિનું પણ એન્કાઉન્ટર થયું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રશેખર અને ન્યાયમૂર્તિ ગૌતમ અંખાડની ખંડપીઠે સોહરાબુદ્દીનના ભાઈઓ રુબાબુદ્દીન અને નયાબુદ્દીનની અપીલો ફગાવી હતી.
22 આરોપીમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસના જુનિયર લેવલના અધિકારીઓ પર આરોપ હતો કે તેઓ એવી ટીમનો ભાગ હતા, જેણે સોહરાબુદ્દીન, કૌશરબી અને તુલસી પ્રજાપતિનું અપહરણ કર્યું, બાદમાં કથિત ફેક એન્કાઉન્ટરમાં તેમને મારી નાખ્યાં. બાકીનો એક આરોપી ગુજરાતના એક ફાર્મહાઉસ અર્હમનો માલિક હતો. આરોપ મુજબ હત્યા પહેલાં સોહરાબુદ્દીન અને કૌશરબીને ત્યાં બંધક બનાવાયાં હતાં. હાઇકોર્ટે પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાની સાથે સ્પષ્ટ કર્યું કે, મજબૂત પુરાવા વગર માત્ર શંકાના આધારે સજા આપી શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે, 23 નવેમ્બર, 2005એ સોહરાબુદ્દીન, તેની પત્ની કૌશરબી અને તુલસી પ્રજાપતિનું બસમાંથી અપહરણ કરાયું હતું. સોહરાબુદ્દીનની 26 નવેમ્બર, કૌશરબીની 29 નવેમ્બરે હત્યા કરાઈ હતી, જ્યારે ડિસેમ્બર 2006S પ્રત્યક્ષદર્શી તુલસીરામ પ્રજાપતિનું પણ એન્કાઉન્ટર કરાયું હતું. આ ત્રણ હત્યાના 201 પૈકી 92 સાક્ષી ફરી ગયા છે, જેથી કેસમાં પૂરતા પુરાવા નહોતા.

