અમિતાભ બચ્ચનને ગુજરાતમાં ઘી-કેળાંઃ રૂ. 7 કરોડની જમીન રૂ. 210 કરોડની થઈ

Tuesday 13th January 2026 15:22 EST
 
 

ગાંધીનગરઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પરિવારમાં 16 નવેમ્બર 2011 અને બુધવારે પૌત્રી (આરાધ્ય બચ્ચન) સ્વરૂપે લક્ષ્મીજીનું આગમન થયું હતું. તેના સાત દિવસ બાદ 23 નવેમ્બર અને બુધવારે અમિતાભ બચ્ચને ગાંધીનગરના ગિફ્ટસિટીની સામે શાહપુરમાં રૂ. 7 કરોડનું રોકાણ કર્યું હતું. આમ 2011ના નવેમ્બરના બે બુધવારે લક્ષ્મીજી તેમના દરવાજે આવ્યાં હતાં. હવે જાન્યુઆરી 2026ના બુધવારે અભિષેક બચ્ચને આ જમીન પર કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનાવવા લોટસ ડેવલપર્સ સાથે એગ્રિમેન્ટ કર્યો છે. આ કરાર મુજબ પ્લાનનાં ડિઝાઇન, પ્લાનિંગ તથા બાંધકામ લોટસ ડેવલપર્સ કરશે અને જમીન બચ્ચન ફેમિલીની રહેશે.
ઉલ્લેખનીય છે કે, રૂ. 7 કરોડમાં ખરીદેલી 23,169 સ્ક્વેર મીટર, એટલે કે 5.72 એકર (14 વીઘા) જમીન અંદાજે રૂ. 210 કરોડની થઈ ગઈ છે. બિગ બીની જમીન પાસે રહેતા સ્થાનિકોનું કહેવું છે કે, અહીં એક વીઘા જમીનના રૂ. 15 કરોડ ચાલે છે. આમ 14 વર્ષમાં રૂ. 203 કરોડનો તોતિંગ નફો થયો છે.
આ પ્રોજેક્ટનો કુલ બિલ્ટઅપ એરિયા 10 લાખ સ્ક્વેર ફૂટથી વધુ રહેશે. પ્રોજેક્ટનું વિકાસકાર્ય કંપનીની સહાયક સંસ્થા રાઇઝ રૂટ પ્રોજેક્ટ્સ પ્રા.લિ. દ્વારા કરાશે, જેમાં અભિષેક બચ્ચન સાથે પ્રોફિટ શેરિંગ કરાશે. આ અલ્ટ્રા લક્ઝરી મિક્સ્ડ-યુઝ પ્રોજેક્ટમાં પ્રીમિયમ રિટેલ સ્પેસ, ગ્રેડ-એ કોમર્શિયલ ઓફિસીસ અને હાઇએન્ડ રેસિડેન્શિયલ યુનિટ્સનો સમાવેશ થશે. ફ્રીહોલ્ડ જમીન પર વિકાસ પામનારો આ પ્રોજેક્ટ લોટસ ડેવલપર્સ માટે ગુજરાતમાં પ્રથમ પ્રોજેક્ટ રહેશે. જો કે વર્ષ 2022માં પણ આ જમીન પર પ્રોજેક્ટ માટે પ્રયાસો થયા હતા, પરંતુ એ પ્રોજેક્ટ વાતચીતથી વધુ આગળ ધપી શક્યો નહોતો.
પ્રીમિયમ રહેણાક-કોમર્શિયલ મિલકતની માગ વધી
લોટસ ડેવલપર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આનંદ કે. પંડિતે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ગિફ્ટ સિટી ઝડપથી વૈશ્વિક ફાઇનાન્સ અને બિઝનેસ હબ તરીકે વિકસી રહ્યું છે. મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રગતિશીલ નીતિઓ અને દેશ-વિદેશના રોકાણકારોના વધતા રસના કારણે અહીં પ્રીમિયમ અને અલ્ટ્રા લક્ઝરી રહેણાક તથા કોમર્શિયલ સ્પેસની માગ વધી
રહી છે.


comments powered by Disqus