રાજકોટઃ જેતપુર અને ધોરાજી પંથકમાં 9 જાન્યુઆરીએ સવારે 2.5થી વધુ તીવ્રતાના ઉપરાઉપરી 11 ભૂકંપ આવ્યા બાદ 10 જાન્યુઆરીએ મોડી રાત્રે 1.9નો હળવો આંચકો નોંધાયો હતો. આ ઉપરાંત સવારે 7:48 વાગ્યે જૂનાગઢથી પશ્ચિમ-ઉત્તર દિશાએ 17 કિ.મી.ના અંતરે પણ 1.9 અને મહુવાથી 38 કિ.મી.ના અંતરે સવારે 11:21 વાગ્યે 1.3ની તીવ્રતાના આંચકા નોંધાયા હતા. આ અવિરત નાના આંચકા સૌરાષ્ટ્રમાં આવવા સામાન્ય હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
કચ્છ સૌથી વધુ જોખમવાળી મોટી ફોલ્ટ લાઇન ધરાવે છે, જ્યારે સૌરાષ્ટ્ર મધ્યમ કક્ષાના જોખમવાળું ભૂકંપીય ક્ષેત્ર (સિસ્મિક એરિયા) ધરાવે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની ધરતી એક અખંડ પોપડા પર નથી, પરંતુ નાના-નાના અસંખ્ય ફોલ્ટ્સ ધરાવે છે. જેના કારણે હાઇડ્રો સિસ્મિસિટી અર્થાત્ ધરતીના પેટાળમાં બે પોપડાં વચ્ચે તિરાડો (ફોલ્ટ્સ)માં પાણી ધસી જાય ત્યારે હળવા અને જમીનની ઉપરી સપાટીએ (1થી 15 કિ.મી. સુધીની ઊંડાઈએ) ભૂકંપ આવે છે.
મહાવિનાશક ભૂકંપથી અલગ એવા આ ભૂકંપોની ખાસિયત એ હોય છે કે તે કલ્સ્ટર ઓફ અર્થક્વેક અર્થાત્ ભૂકંપોનું ઝુંડ તરીકે ઉપરાઉપરી આવી શકે છે, જેને ટેકનિકલ ભાષામાં સ્વાર્મ અર્થક્વેક્સ કહે છે, તે જમીનની છીછરી સપાટીએ ઉદ્ભવતા હોય છે.

