કડીનું નંદાસણ અને આણંદનું તારાપુર બનશે ‘મોડેલ વિલેજ’

Friday 16th January 2026 01:27 EST
 

કડીઃ મહેસાણા અને આણંદ જિલ્લા માટે એક ગૌરવવંતા સમાચાર સામે આવ્યા છે. કડી તાલુકાના નંદાસણ ગામની પસંદગી કેન્દ્ર સરકારના પંચાયત મંત્રાલય દ્વારા ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન (GPSDP) માટે કરાઈ છે. સમગ્ર ગુજરાતનાં માત્ર બે ગામની આ યોજના માટે પસંદગી થઈ છે, જેમાં આણંદના તારાપુરનો પણ સમાવેશ કરાયો છે. આ યોજના અંતર્ગત નંદાસણ ગામને આગામી 5 વર્ષમાં તમામ આધુનિક સુવિધાથી સજ્જ કરી એક મોડેલ વિલેજ તરીકે વિકસાવાશે.
આધુનિક સુવિધાઓ
ડીડીઓ હસરત જાસ્મિને જણાવ્યું કે, પંચાયત મંત્રાલય દ્વારા ગ્રામપંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત નંદાસણ અને તારાપુર ગામની પસંદગી કરાઈ છે. આ યોજનાનો ઉદ્દેશ્ય માળખાગત સુવિધાનો વિકાસ કરી આદર્શ ગામ બનાવવાનો છે, જેમાં ગ્રીન એન્વાયર્નમેન્ટ, શુદ્ધ હવા-પાણી અને સ્વચ્છતા પર ભાર મુકાશે. નંદાસણ ગામના વિકાસ માટે સેપ્ટ યુનિવર્સિટી સાથે સંકલન સાધીને રોડમેપ તૈયાર કરાયો છે. 5 વર્ષના એક્શન પ્લાનમાં ગામની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રખાઈ છે. પ્રપોઝ્ડ પ્લાન મુજબ સ્કૂલોનું અપગ્રેડેશન, આધુનિક આંગણવાડી, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને સોલાર સ્ટ્રીટ લાઇટ્સ જેવી સુવિધા ઊભી કરાશે. ગામમાં નવું બસ સ્ટેન્ડ, શોપિંગ સેન્ટર, ટાઉનહોલ બનાવવાનું આયોજન પણ છે, જેથી પંચાયતની આવક ઊભી થઈ શકે.


comments powered by Disqus