કેજરીવાલ અને સંજયસિંહ પર માનહાનિનો કેસ ચાલશે

Tuesday 13th January 2026 15:35 EST
 
 

અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદીની ડિગ્રી અંગે વર્ષ 2023માં કરેલા નિવેદનોને લઈ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા માનહાનિના દાવાને હવે હાઇકોર્ટની સિક્કો લાગી ચૂક્યો છે. સેશન્ય કોર્ટના ચુકાદાને પડકારતાં રાહતની આશા દ્વારા બંને દ્વારા હાઇકોર્ટમાં રિવિઝન અરજી કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે આ અંગે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજયસિંહની રિવિઝન અરજી નામંજૂર કરી હતી, જેની સામે તેઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરાઈ હતી. આ અપીલને હાઇકોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી છે, જેથી કેજરીવાલ અને સંજયસિંહ સામે હવે માનહાનિનો કેસ ચાલશે.
અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટ બંને રાજકારણી સામેના ફોજદારી માનહાનિના કેસની કાર્યવાહી ચલાવી રહી હોવાથી કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહની ટ્રાયલથી અલગ કરવાની અરજી કરી હતી. તેમનો દાવો હતો કે તેમના પર કાવતરું અથવા સામાન્ય ગુનાઇત ઇરાદાને આગળ વધારવાનો કોઈ આરોપ નથી, તેથી કોર્ટે તેમની ટ્રાયલ સંજયસિંહની ટ્રાયલથી અલગ કરવી જોઈએ.
સંજયસિંહે પોતે નિર્દોષ હોવાનો દાવો નોંધાવતાં ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 251 હેઠળ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમના વકીલની હાજરીમાં તેમની પ્લી નોંધવાના નિર્ણયને પડકાર્યો હતો. તેમણે આ નિર્ણયને અયોગ્ય ગણાવી રદ કરવા માગ કરી હતી.


comments powered by Disqus