કેરામાં કૌશલ્ય તાલીમ ભવન માટે રૂ. 3 કરોડનું દાન

Friday 16th January 2026 01:27 EST
 
 

કેરાઃ 41 ગામના 1449 છાત્ર-છાત્રા ભવિષ્યનું ઘડતર કરે છે તેવા કેરા-કુંદનપર લેઉવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના તાલીમ ભવન માટે મૂળ કુંદનપરના આફ્રિકાવાસી કચ્છી દાનવીર મૂળજીભાઈ લાલજી પિંડોરિયાએ રૂ. 3 કરોડના માતબર દાન સાથે મૂળજીભાઈ લાલજી રૂડા પિંડોરિયા નામકરણ જાહેર કરતાં પાંચાડાનાં શિક્ષણ વર્તુળોમાં ખુશી-ઉત્સાહની લહેર ફરી વળી હતી. ઝોનકક્ષાના વિજ્ઞાનમેળાનો પ્રારંભ કરાવતાં સામજીભાઇ શિવજી દબાસિયાએ મોટા સહકારની લાગણી દર્શાવી હતી.
આગામી સમયમાં કરાશે ભૂમિપૂજન
કેરા ટ્રસ્ટમાં 40 વર્ષથી આઇટીઆઇ કાર્યરત્ છે, જેમાં શિક્ષણ મેળવેલા ગુણવત્તાયુક્ત તાલીમાર્થીઓની માગ કચ્છમાં આવેલાં વિવિધ ઔદ્યોગિક જૂથોને છે, ત્યારે જૂના કોર્સ વાયરમેન, ફિટર, વેલ્ડર, પ્લમ્બરને યથાવત્ રાખીને નવા 6 કોર્સ સ્વનિર્ભર સંચાલન તળે શરૂ કરવાની દરખાસ્ત હતી.
આ નવા કોર્સ માટે વધારાના માળખાકીય વિકાસ માટે રૂ. 6 કરોડનો બાંધકામનો, સાધનોના નિભાવ ખર્ચ માટે રૂ. 2 કરોડ મળી કુલ રૂ. 8 કરોડના પ્રોજેક્ટ સામે આફ્રિકાના 57 દેશના હિન્દુઓ માટે જીવનપર્યંત કામ કરનારા મૂળજીભાઈના પુત્રો કિશોરભાઈ અને ભરતભાઈએ સ્વ. માતા પૂરીબહેનના આત્મશ્રેયાર્થે પિતા મૂળજીભાઈ લાલજી રૂડા પિંડોરિયાના નામકરણ માટે રૂ. 3 કરોડ જેટલી મોટી રકમ દાનમાં આપવા જાહેરાત કરી હતી.
આ ભવનનું ખાતમુહૂર્ત આગામી સમયમાં કરાશે. મૂળજીભાઈએ અગાઉ જૂના-નવા બંને ઓડિટોરિયમ, જિમ માટે માતબર દાન આપ્યું હતું. શિક્ષણ ટ્રસ્ટના પાયાના પથ્થર રહેલા આ પરિવારે કચ્છમાં શિક્ષણ, કૃષિ, રમતગમત અને હિન્દુ રક્ષાપ્રવૃત્તિ માટે સરહદ પર આરએસએસ સાથે મોટું યોગદાન આપેલું છે.


comments powered by Disqus