ગાંધીનગરમાં ટાઇફોઇડ અંગે માનવાધિકાર પંચની નોટિસ

Tuesday 13th January 2026 15:26 EST
 
 

ગાંધીનગરઃ પીવાનાં દૂષિત પાણીના કારણે ટાઇફોઇડના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) દ્વારા ગુજરાત સરકારને નોટિસ ફટકારાઈ છે અને પંચ દ્વારા મુખ્ય સચિવને બે અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે.
ગુજરાતના આરોગ્ય વિભાગે શુક્રવારે ટાઇફોઇડના 70 એક્ટિવ કેસની પુષ્ટિ કરી હતી. ગાંધીનગર પાલિકા દ્વારા નખાયેલી પાઇપલાઇનમાં સાત જગ્યાએ લીકેજ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે ગટરનું પાણી પીવાનાં પાણીમાં ભળી રહ્યું છે. પંચે જણાવ્યું હતું કે, જો આ સમાચાર સાચા હોય તો આ માનવાધિકારના ઉલ્લંઘનનો ગંભીર મામલો છે.
આ સંદર્ભે પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે અને મુખ્ય સચિવને બે અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. જેમાં ટાઇફોઇડથી પ્રભાવિત ઘરોમાં સારવાર લઈ રહેલા અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન રોકવા માટેનાં પગલાં અંગે જાણકારી મગાઈ છે.
ગાંધીનગરમાં કોંગો વાઈરસનો કેસ નોંધાયો
પાટનગરમાં ટાઇફોઇડના કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું છે, તાલુકાના પિંડારડા ગામમાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા 26 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


comments powered by Disqus