નવી દિલ્હીઃ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતના પડોશી દેશો સાથેના સંબંધો બગડ્યા છે. પાકિસ્તાન સાથેનો તણાવ દાયકાઓ જૂનો છે. ચીન અને બાંગ્લાદેશ સાથે પણ તણાવ વધી રહ્યો છે. એ સ્થિતિમાં કોઈ પણ ખરાબ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય સેના અને નેવી સંપૂર્ણ તૈયાર રહે છે. આ કારણે જ ઇન્ડિયન નેવી પશ્ચિમ બંગાળના હલ્દિયા પાસે બંગાળની ખાડીમાં એક નવો નેવીબેઝ બનાવવાની તૈયારી કરી રહી છે, જેનાથી ચીન અને બાંગ્લાદેશ અકળાઈ ગયાં છે. આ નેવીબેઝ પર યુદ્ધજહાજો તહેનાત કરાશે, જેથી ચીન અને બાંગ્લાદેશની હરકતોનો જડબાતોડ જવાબ આપી શકાશે. આ એરબેઝથી નેવીની શક્તિમાં અનેક ગણો વધારો થવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના આધારે કહેવાયું છે કે હલ્દિયાના ડોક કોમ્પ્લેક્સનો ઉપયોગ શરૂઆતના સમયમાં નેવીબેઝ તરીકે કરાશે. અહીં ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ અને 300 ટનના ન્યૂ વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફ્ટને તહેનાત કરાશે, જે સમુદ્રમાં ખૂબ ઝડપથી ચાલતું આક્રમક ક્રાફ્ટ છે, જે 40-45 માઇલ પ્રતિકલાકની ઝડપે ચાલે છે. સમુદ્રમાં તેનો ઉપયોગ અચાનક દુશ્મન દેશોની પ્રવૃત્તિઓને રોકવામાં
કરી શકાશે.

