અમદાવાદઃ ઉત્તરાયણનો તહેવાર ગુજરાત પૂરતો કેન્દ્રિત નથી રહ્યો, પરંતુ દેશનાં વિવિધ રાજ્ય અને વિદેશમાં પણ ઉત્સાહ સાથે ઊજવાય છે. દેશના પતંગઉદ્યોગ બજારમાં 65 ટકા હિસ્સો ગુજરાતનો છે. એટલે કે પતંગ-દોરીનું વાર્ષિક બજાર રૂ. 750 કરોડનું છે. પતંગ બનાવવાના મુખ્ય કેન્દ્ર ખંભાત, નડિયાદ સહિત રાજ્યમાં કુલ 7થી 8 કરોડ પતંગ બનાવાય છે, તેમાંથી અંદાજે 5 કરોડ પતંગ રાજ્યના બજારમાં વેચાય છે, બાકી પતંગ અન્ય રાજ્યો અને યુકે, અમેરિકા, કેનેડામાં પણ નિકાસ કરાય છે. 5 વર્ષ પહેલાં 20 પતંગ (એક કોડી)ની સરેરાશ કિંમત રૂ. 125થી 250 હતી, હવે તે રૂ. 275થી 400માં વેચાય છે.
1.30 લાખ કારીગરો, 8 કરોડ પતંગ
ગુજરાતભરના 1.30 લાખ કારીગરો પતંગઉદ્યોગથી રોજગારી મેળવે છે. ખંભાતમાં અંદાજે 1200થી વધુ પરિવારના 7 હજાર લોકો 4થી 5 કરોડ પતંગ બનાવી ગુજરાન ચલાવે છે. 2025માં માત્ર ખંભાતથી જ 6 કરોડ પતંગ રાજ્યનાં મુખ્ય શહેરોમાં સપ્લાય કરાયા હતા, પરંતુ હવે તેની સંખ્યા ઘટી છે. ત્યાં પતંગનું અંદાજે રૂ. 100 કરોડનું બજાર છે.
હવે આવી ગયો રિમોટથી ઊડતો પતંગ
ઉત્તરાયણ નજીક આવતાં જ પતંગની ઘાતક દોરીથી પક્ષીઓ અને લોકો મોત અને ઇજાની ઘટનાઓ સામે આવતી રહે છે, જેને ધ્યાને રાખી સુરતના યુવા સંશોધક વિકી વખારિયા અને તેમની ટીમ દ્વારા વિશેષ પ્રકારનો પતંગ બનાવવામાં આવ્યો છે. આ યુવકે રિમોટ કંટ્રોલથી ઉડતો એક એવો પતંગ તૈયાર કર્યો છે, જેને ઉડાડવા માટે ન તો દોરી જોઈશે કે ન તો પવનની જરૂર પડશે. દિવસે તો ઠીક આ પતંગ રાતે પણ બટરફ્લાય બની આકાશને રંગોથી ભરી દેશે. આ પતંગ અકસ્માતો ઘટાડવાની સાથે પર્યાવરણનું રક્ષણ કરવાનું પણ માધ્યમ બનશે.

