અમદાવાદઃ પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈ ઇતિહાસ રચનારી પેરા સાઇકલિસ્ટ ગીતા રાવને અદાણી શાંતિગ્રામ બ્રિજ પાસે ઓવરસ્પીડ કારે ટક્કર મારતાં થાપામાં મલ્ટિપલ ફ્રેક્ચર થતાં સર્જરી કરાઈ. નારણપુરાનાં 48 વર્ષીય ગીતા રાવ રવિવારે આર્ગન-19 સાઇકલ લઈને પ્રેક્ટિસ માટે નીકળ્યાં હતાં ત્યારે અદાણી શાંતિગ્રામ બ્રિજ પર કારે ટક્કર મારતાં તેમને કે.ડી. હોસ્પિટલ લઈ જવાયાં હતાં. બીજી તરફ અકસ્માત કરનારો કારચાલક મહેન્દ્ર પટેલ અડાલજ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. સ્થાનિક પોલીસે જણાવ્યું કે, મહેન્દ્ર પટેલે અકસ્માત કર્યો હોવાનું સ્વીકારતાં ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

