ગાંધીનગરઃ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મેટ્રો કનેક્ટિવિટી હવે વધુ વિસ્તૃત અને વ્યવસ્થિત બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ મેટ્રો નેટવર્ક મોટું થતાં દિલ્હી અને અન્ય મેટ્રો શહેરોની જેમ અમદાવાદ મેટ્રોમાં પણ અલગ-અલગ રૂટને બ્લૂ, રેડ, યલો અને વાયોલેટ જેવા વિશિષ્ટ કલર કોડ અને નામ અપાયાં છે.
હવે અમદાવાદ મેટ્રો માત્ર બે લાઈન સુધી મર્યાદિત ન રહેતાં 4 અલગ લાઈનોમાં વહેંચાઈ ગઈ છે. આ ચારેય લાઈનને અલગ અલગ કલર કોડ આપવાથી મુસાફરો માટે સ્ટેશન અને રૂટની ઓળખ સરળ બનશે. આ નવા ફેરફારથી હવે મુસાફરો દિલ્હી મેટ્રોની માફક જ બ્લૂ, રેડ, યલો કે વાયોલેટ લાઇન કહીને પોતાની મુસાફરી સરળતાથી પ્લાન કરી શકશે. વડાપ્રધાને જે રૂટનું લોકાર્પણ કર્યું છે તે હવે ‘યલો લાઈન’ તરીકે ઓળખાશે.
નવા કલર કોડ મુજબ વસ્ત્રાલ ગામથી થલતેજ ગામના રૂટને બ્લૂ લાઇન, એપીએમસી વાસણાથી મોટેરા સ્ટેડિયમ સુધીના રૂટને રેડ લાઇન, મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના રૂટને યલો લાઇન અને જીએનએલયુથી ગિફ્ટ સિટીને જોડતા રૂટને વાયોલેટ લાઇન તરીકે ઓળખાશે
વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ
રવિવાર રાજકોટ વાઇબ્રન્ટ સમિટ પૂર્ણ થતાં જ વડાપ્રધાન સીધા પાટનગર ગાંધીનગર પહોંચ્યા હતા. મોડી સાંજે નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર- સચિવાલય સુધી મેટ્રો ફેઝ-2નું લોકાર્પણ કર્યું હતું. મેટ્રો ટેનના રૂટમાં વધારો થતાં ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે કનેક્ટિવિટી વધશે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે કુલ 53 સ્ટેશનો સાથે નવા મેટ્રો રૂટ શરૂ થતાં અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ, નોકરિયાતોને ફાયદો થશે. સાથેસાથે ટ્રાફિકની સમસ્યાથી લોકોને મુક્તિ મળશે.

