મ્યાનમારમાં ફસાયેલો યુવક આખરે વડોદરા ઘરે પરત ફર્યો

Friday 16th January 2026 01:27 EST
 
 

વડોદરાઃ વિદેશમાં ઊંચા પગારની લાલચે ડેટા એન્ટ્રીની નોકરી કરવા ગયેલો વડોદરાના સાવલી ગામનો યુવક 10 જાન્યુઆરીએ શનિવારે વડોદરા એરપોર્ટ પર આવતાં જ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલાં એક યુવકે વીડિયો વાઇરલ કરી ભારત સરકાર પાસે વતન પરત લાવવા માટે આજીજી કરી હતી. વડોદરાના ગુંજન શાહે એરપોર્ટ પર પહોંચી મ્યાનમારમાં તેની સાથે શું-શું થયું અને કેવા અનુભવો રહ્યા એની આપવીતી જણાવી હતી.
ગુંજન શાહે મ્યાનમારની આપવીતી જણાવતાં કહ્યું હતું કે, ડેટા એન્ટ્રીની જોબના નામે અમને બધાને ત્યાં બોલાવાયા હતા. દરેકને અલગ-અલગ બહાનાથી બોલાવાયા હતા. કોઈને રૂ. 70થી રૂ. 75 હજારની સેલેરી ઓફર કરી હતી.
અમને બહાર લાવવા માટે સરકારનો પૂરતો સપોર્ટ મળ્યો અને ત્યાં મ્યાનમારમાં પણ અનેક NGOએ અમારી મદદ કરી હતી. નોકરી માટે પહેલા અમને થાઇલેન્ડ કીધું હતું અને ત્યાંથી અમને જંગલના રસ્તે ડાયરેક્ટ મ્યાનમાર લઈ ગયા હતા. અમે હજુ પહોંચ્યા જ હતા, એટલે અમારા પર એટલો ત્રાસ નહોતો ગુજાર્યો, પણ જે લોકો પહેલેથી અહીં હતા તેમાંથી અમુક તો જેલમાં છે. આપણા 5 ભારતીયો પણ ફેબ્રુઆરીથી મ્યાનમારની જેલમાં છે.


comments powered by Disqus