રાષ્ટ્રપતિ ટ્રમ્પ વડાપ્રધાન મોદીને પોતાના ‘ખાસ મિત્ર’ માને છેઃ સર્જિયો ગોર

Friday 16th January 2026 01:27 EST
 
 

નવી દિલ્હીઃ ભારત-અમેરિકા મતભેદ વચ્ચે ભારતમાં નવા નિયુક્ત થયેલા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે દિલ્હીમાં પદ સંભાળ્યા બાદ ભારત-અમેરિકા સંબંધોને લઈ મહત્ત્વપૂર્ણ સંકેત આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો હવે વધુ મજબૂત અને વ્યાપક બનવાના છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લઈ શકે છે, જે બંને દેશોની નિકટતા દર્શાવે છે.
ટ્રમ્પ-મોદી મિત્રતા
સર્જિયો ગોરે પણ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ વડાપ્રધાન મોદીને પોતાના ‘ખાસ મિત્ર’ માને છે. તેમણે ઉમેર્યું કે, સાચા મિત્રોમાં મતભેદ હોવો સ્વાભાવિક છે, પરંતુ મહત્વની વાત એ છે કે આવા મતભેદો વાતચીત અને સહયોગથી ઉકેલવામાં આવે છે. તેમના મતે ભારત અને અમેરિકા એ જ માર્ગે આગળ વધી રહ્યા છે.
પેક્સસિલિકા પહેલમાં ભારતની એન્ટ્રી
એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા સર્જિયોએ જણાવ્યું કે, ભારત આવતા મહિને ‘પેક્સસિલિકા’ પહેલમાં પૂર્ણ સભ્ય તરીકે જોડાશે. અમેરિકાના નેતૃત્વ હેઠળની આ એક વ્યૂહાત્મક પહેલ છે, જેનો હેતુ મહત્ત્વપૂર્ણ ખનિજોની સુરક્ષિત સપ્લાય, સેમિકંડક્ટર ઉત્પાદન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિકાસ, અદ્યતન ઉત્પાદન ક્ષમતાનો વિકાસ છે. આ પહેલમાં અગાઉ જાપાન, દક્ષિણ કોરિયા, યુકે અને ઇઝરાયલ જોડાઈ ચૂક્યા છે. હવે ભારતની ભાગીદારી તેને વધુ મજબૂત બનાવશે.
વેપાર સિવાય પણ ભારત અને અમેરિકા સુરક્ષા, આતંકવાદ વિરોધી કામગીરી, ઊર્જા અને આરોગ્ય જેવાં ક્ષેત્રે પણ સાથે મળી કામ કરતાં રહેશે. સર્જિયોએ જણાવ્યું કે, આ ભાગીદારીને તેઓ આ સદીની સૌથી અસરકારક વૈશ્વિક ભાગીદારી બનાવવા ઇચ્છે છે.
અમેરિકાનું બહાનું ખોટુંઃ ભારત
ભારતે અમેરિકી વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકના નિવેદનને ખોટું જણાવીને ફગાવી દીધું છે. લુટનિકે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે, બંને દેશની વચ્ચે પ્રસ્તાવિત ટ્રેડડીલ ગતવર્ષે એટલે ન થઈ શકી, કારણ કે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફોન કર્યો નહોતો.


comments powered by Disqus