સુરતઃ બેન્કો મારફતે વિદેશમા રોકાણ કરતા લોકો માટે આરબીઆઇએ કેટલાંક કડક પગલાં લીધાં છે અને ખાસ કરીને બેન્કો પાસે વધારાની વિગતો એકસાથે માગી છે, જેના લીધે વર્ષે અઢી લાખ ડોલર સુધી વિદેશમાં રોકાણ કરવાની જે લિમિટ હતી તે નિયમનું પાલન કરી શકાશે. અત્યાર સુધી કેટલાક કેસમાં એવું થતું હતું કે એકથી વધુ બેન્કમાં એકાઉન્ટ ધરાવનારા રોકાણકાર એકથી વધુ બેન્કનો ઉપયોગ કરીને વિદેશ રૂપિયા મોકલે તો બેન્કોને એ જાણ થતી નહોતી કે કુલ કેટલા રૂપિયા જે-તે રોકાણકારે એક વર્ષ દરમિયાન વિદેશમાં મોકલ્યા છે. આથી જ હવે આરીબીઆઈએ દરેક બેન્ક પાસે રોજની અપડેટ માગી છે અને તેના આધારે જ બેન્કોને જાણ થઈ જશે કે એક રોકાણકારે કેટલા રૂપિયા વિદેશમાં મોકલ્યા છે.
અત્યાર સુધી મળેલા રેકોર્ડ પ્રમાણે માત્ર સુરતથી વિદેશમાં રૂ. 700 કરોડનું રોકાણ થયું છે. એલઆરએસ નિયમ મુજબ એક વ્યક્તિ વિદેશમાં પ્રોપર્ટી, શેર માર્કેટ કે અન્ય કોઈપણ રોકાણ કરે તેની ગણતરી કરવામાં આવતી હોય છે. આ લિમિટ ક્રોસ ન થાય એ માટેના નિયમ કડક થયા છે, તેથી વિદેશ જતી રકમ પર અંકુશ અને મિલકતોની ખરીદીમાં પણ ઓટ આવી શકે. આરબીઆઇ આ પ્રક્રિયા હેઠળ મોટા ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને શકમંદોના એકાઉન્ટ પર બાજ નજર રાખી રહી છે, જેથી આવનારા સમયમાં આ આંકડો વધી શકે છે.

