નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં શકસગામ ખીણમાં ચીનના નિર્માણ અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ સામે ભારતે શુક્રવારે વિરોધ નોંધાવ્યો. ભારત સરકારે સ્પષ્ટ કહ્યું કે, શક્સગામ ખીણ ભારતનો ભાગ છે અને તે પોતાનાં હિતોની સુરક્ષા માટે જરૂરી પગલાં ઉઠાવવાનો અધિકાર સુરક્ષિત રાખે છે.
ભારતીય વિદેશ મંત્રાલયે શક્સગામ ખીણમાં ચીનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ભારતની સંપ્રભુતાને પડકારતા પગલાં સમાન ગણાવતાં સંકેત આપ્યા છે કે તે પોતાનાં હિતોની સુરક્ષા માટે જરૂરી પગલાં લઈ શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, પાકિસ્તાને વર્ષ 1963માં ગેરકાયદે કબજે કરેલા ભારતીય ક્ષેત્રની 5,180 વર્ગ કિ.મી. જમીન ચીનને સોંપી દીધી હતી, જેને ભારતે ક્યારેય માન્યતા આપી નથી. રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારતે 1993માં થયેલા તથાકથિત ચીન-પાકિસ્તાન સરહદની સમજૂતીને ક્યારેય સ્વીકારી જ નથી. ચીન અને પાકિસ્તાનની આ સમજૂતી સદંતર ગેરકાયદે અને અમાન્ય છે. ભારત આ વિસ્તારમાં ચીન અને પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપીઈસી)ને પણ સ્વીકારતું નથી, કારણ કે આ પ્રોજેક્ટ ભારતના એ વિસ્તારથી પસાર થાય છે, જેના પર પાકિસ્તાને બળજબરીથી અને ગેરકાયદે કબજો કરી રાખ્યો છે.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, ભારતે શક્સગામ ખીણમાં જમીની સ્થિતિ બદલવાના પ્રયત્નો વિરુદ્ધ ચીન સમક્ષ સતત વિરોધ નોંધાવ્યો છે અને ભવિષ્યમાં પણ પોતાના હિતોની રક્ષા માટે જરૂરી પગલાં લેશે.

