ગાંધીનગરઃ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ-એડીઆરએ લોકસભામાં છેલ્લી ત્રણ ટર્મમાં રિપીટ થયેલા સાંસદોની મિલકતો અંગે સંકલિત રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ગુજરાતના ભાજપના 8 સાંસદનો સમાવેશ થયો છે. આ રિપોર્ટ તો સાંસદોએ આવક સંદર્ભે ઇન્કમટેક્સ રિટર્ન ભર્યાં હોય અને મિલકતોની બાબત તેમના સોગંદનામામાં દર્શાવી હોય તેના પર જ આધારિત છે. રાજ્યના સાંસદોમાં સૌથી વધુ માલદાર જામનગરનાં પૂનમબહેન માડમ છે, જેમની મિલકત 2014થી 2024 સુધીનાં 10 વર્ષમાં 747 ટકા વધીને રૂ. 130 કરોડ થઈ છે. જો કે સૌથી વધુ રસપ્રદ એ છે કે, 2014માં સૌથી વધુ માલેતુજાર નવસારીના સાંસદ એવા વર્તમાન કેન્દ્રીય જળસંપત્તિ મંત્રી સી.આર. પાટીલે તેમની મિલકતોમાં 10 વર્ષમાં 47 24 ટકાનો ઘટાડો દર્શાવ્યો છે. એમની મિલકત 2014માં રૂ. 74.47 કરોડની હતી, તે 2024માં ઘટીને રૂ. 39.49 કરોડ થઈ ગઈ છે. આ સાથે એડીઆર દ્વારા તમામ 8 સાંસદની મિલકતો દર્શાવાઈ છે. રાજ્યમાં લોકસભાના ભાજપના 26 સાંસદો છે, જ્યારે રાજ્યસભામાં કુલ 11 સાંસદો છે. એડીઆરએ માત્ર ત્રીજી ટર્મમાં રિપીટ થયેલા સાંસદોની મિલકતોનો જ ઉલ્લેખ કર્યો છે.

