ગાંધીનગરઃ ગાંધીનગર મનપાનું ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયું છે. 11 વોર્ડની 44 બેઠકમાં ભાજપને 38, કોંગ્રેસને 5 અને અપક્ષને 1 બેઠક મળી છે. આ સાથે જ ભાજપે સતત ત્રીજીવાર મનપા પર કબજો કર્યો છે. 2021માં આપે ખાતું ખોલ્યું હતું અને કોંગ્રેસને 2 સીટ મળી હતી. આ વખતે આપ એકપણ બેઠક મેળવી નથી., જ્યારે કોંગ્રેસને 3 સીટનો ફાયદો થયો છે. આમ કોંગ્રેસે લાજ બચાવી લીધી છે.
ચૂંટણીમાં આપના 6 અને કોંગ્રેસના એક ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ છે. જેની સામે ચૂંટણીના પરિણામમાં ભાજપે મોટાભાગના વોર્ડમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વોર્ડ નંબર 1, 3, 4, 5, 8, 9, 10 અને 11 માં ભાજપે તમામ 4-4 બેઠક પર જીત મેળવી છે. વોર્ડ નંબર-2માં ભાજપને 3 અને અપક્ષને 1 બેઠક મળી છે, જ્યારે વોર્ડ નંબર-7માં ભાજપને 3 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. આ પરિણામોમાં સૌથી મોટો ઊલટફેર વોર્ડ નંબર-6માં જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસે તમામ 4 બેઠક પર જીત મેળવી પેનલ કબજે કરી છે.

