વડોદરાઃ નવરાત્રીની શરૂઆત થાય તે પહેલાં જ વડોદરા શહેર યુનાઇટેડ વેના ગરબા મહોત્સવ દ્વારા ઝૂમી ઊઠ્યું હતું. યુવાધન માત્ર ગરબે ઝૂમ્યું જ નહીં તેમના થનગનાટે વિશ્વવિક્રમ પણ સર્જી દીધો. યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં 7 ઓક્ટોબરે 46,818 ખેલૈયાઓએ એકસાથે ગરબે ઘૂમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. સિંગર અતુલ પુરોહિત ઉર્ફે અતુલ દાદાએ ‘આવી નવ-નવરાત્રી રે...’ ગાતાં જ ખૈલેયાઓ માઝા મૂકીને ઝૂમી ઊઠ્યા હતા. આ ઉપરાંત 4 થીમ પર 3 હજાર વિદ્યાર્થીઓ વિશાળ કાપડના ગોળ પોસ્ટર પકડીને ગરબે ઘૂમ્યા હતા. વડનું વૃક્ષ, સ્વચ્છતા સંકલ્પ, નારીશક્તિ અને વિકસિત ભારતનીની થીમ પર ગરબાની ખાસ પ્રસ્તુતિ કરાઈ હતી.
નારી શક્તિનો મહિમા રજૂ કરતી પ્રસ્તુતિ
વડોદરાની ઓળખ સાથે જોડાયેલા વડના વૃક્ષને કેન્દ્રમાં રાખી ખાસ પ્રસ્તુતિ કરાઈ હતી. આ ઉપરાંત ગરબાની સાથે સ્વચ્છ વડોદરાનો સંદેશ પણ અપાયો હતો. આ સાથે મા શક્તિ સાથે વડોદરાની નારીશક્તિનો મહિમા રજૂ કરતી પ્રસ્તુતિ કરાઈ હતી. તો આવનારાં વર્ષોમાં વિકસિત વડોદરા, વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ પણ કાર્યક્રમની થીમમાં સામેલ કરાયો હતો.
હેરિટેજની ઓળખને જાળવી રાખવાનો સંકલ્પ
વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કહ્યું હતું કે, ‘વિકસિત વડોદરા, વિકસિત ભારત’ સંકલ્પ અભિયાન અંતર્ગત અમે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. યુનાઇટેડ વેનું ગરબા ગ્રાઉન્ડ દુનિયાનું સૌથી મોટું ગરબા ગ્રાઉન્ડ છે, જ્યાં 45 હજાર લોકો દ્વારા ગરબાનો રેકોર્ડ થઈ ચૂક્યો છે.

