રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા ભારત દ્વારા 3 મુદ્દાની ફોર્મ્યુલા રજૂ કરાઈ

Wednesday 14th October 2026 06:20 EDT
 

નવી દિલ્હીઃ ભારતે રશિયા-યુક્રેન યુદ્ધથી પેદા થતા તાત્કાલિક જોખમોને ઘટાડવા માટે ત્રણ ભાગનો યુદ્ધવિરામ પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવનો હેતુ ઊર્જા સુવિધાઓ અને અન્ય જરૂરી માળખાગત સુવિધાઓ પરના હુમલા અટકાવવા, કાળા સમુદ્રના બંદરો પરથી અનાજ અને ઊર્જાની અવરજવર અડચણ વિના ચાલુ રાખવી અને કાળા સમુદ્રમાં ચાલતા વેપારી જહાજોને નિશાન બનાવતા હુમલા બંધ કરવાનો છે. ભારતની આ ફોર્મ્યુલા અગાઉના ઘણા યુદ્ધવિરામ સૂચનોથી અલગ માનવામાં આવી રહી છે. જૂના પ્રસ્તાવોમાં મોટેભાગે કાં તો માત્ર ઊર્જા પરના હુમલા રોકવાની વાત હતી અથવા અનાજના પરિવહનને ચાલુ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ભારતે આ બંને મુદ્દાઓને વ્યાપારી શિપિંગની સુરક્ષા સાથે એક જ માળખામાં જોડી દીધા છે. હેતુ એ છે કે મોટી રાજકીય સમજૂતી હાલમાં મુશ્કેલ હોવા છતા લડાઈની તે અસરોને તાત્કાલિક ઘટાડવામાં આવે, જે સામાન્ય લોકોના જીવન, સપ્લાય ચેન અને દરિયાઈ વેપાર પર પડી રહી છે. વાસ્તવમાં ભારત લાંબા સમયથી કહેતું આવ્યું છે કે આ વિવાદનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા જ આવવો જોઈએ.
નવો પ્રસ્તાવ આ જ વિચારને આગળ વધારે છે અને લડાઈમાં કોઈ પક્ષ પસંદ કરવાને બદલે એવા વ્યાવહારિક પગલાં પર ભાર મૂકે છે. જેનાથી
યુદ્ધનું નુકસાન ઘટે અને જરૂરી આર્થિક રસ્તાઓ ખુલ્લા રહે.
ઊર્જા અને જરૂરી માળખાં પરના હુમલા અટકાવો: પહેલો ભાગ ઊર્જા
સુવિધાઓ અને અન્ય જરૂરી માળખાગત સુવિધાઓ પરના હુમલા બંધ કરવાની વાત કરે છે. હેતુ તે જગ્યાઓને વધુ નુકસાનથી બચાવવાનો છે, જે સામાન્ય લોકોના જીવન અને વ્યવસાય માટે જરૂરી છે. આનાથી તણાવ ઘટાડવાની સંભાવના પણ બની શકે છે.
કાળા સમુદ્રના બંદરોથી અનાજ અને ઊર્જાની અવરજવર ચાલુ રાખો
બીજો ભાગ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે કે કાળા સમુદ્રનાં બંદરો પરથી અનાજ અને ઊર્જાનું પરિવહન ન અટકે. લડાઈ ચાલુ રહેવા છતાં જરૂરી સપ્લાય ચેનને બચાવવાનો આ જ હેતુ છે.
વ્યાપારી જહાજો પરના હુમલા બંધ કરો
ત્રીજો ભાગ કાળા સમુદ્રમાં ચાલતા વ્યાપારી જહાજો પરના હુમલા રોકવાનો પ્રસ્તાવ છે. આ માત્ર અનાજ પૂરતું સીમિત નથી. તેનો હેતુ આ વિસ્તારમાં સમગ્ર વ્યાપારી શિપિંગ માટે સુરક્ષાનું માળખું ઊભું કરવાનો છે.


comments powered by Disqus