રાજકોટ: રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે હિરાસર એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાના સમાચાર છે. ડિસેમ્બરના અંત સુધીમાં રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જો આ સેવા શરૂ થશે તો રાષ્ટ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે અમદાવાદ સુધી લાંબી મુસાફરી કરવાની જરૂર નહીં રહે.
હિરાસર એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફલાઇટ શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઇમિગ્રેશન વ્યવસ્થા માટે જરૂરી પ્રક્રિયા આગળ વધારાઈ રહી છે. ઇન્ટરનેશનલ ફલાઇટ માટે એરપોર્ટ પર ઇમિગ્રેશન સહિતની સુવિધાઓ મહત્ત્વપૂર્ણ હોવાથી આ દિશામાં કામગીરી ઝડપી કરાઈ છે.
ઈમિગ્રેશન પ્રક્રિયા માટે તાજેતરમાં 11 પોલીસ કર્મચારીઓએ તાલીમ પૂર્ણ કરી છે. અમદાવાદ ખાતે પોલીસ કર્મચારીઓ માટે ઈમિગ્રેશન સંબંધિત ખાસ ટ્રેનિગનું આયોજન કરાયું હતું. આ તાલીમ ઈન્ટરનેશનલ પેસેન્જરોની અવરજવર દરમિયાન જરૂરી ઈમિગ્રેશન પ્રક્રિયા અને સંબંધિત કામગીરી માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
