રૂ. 25 કરોડની સંપત્તિ હડપવા ભત્રીજીનો 83 વર્ષીય NRI કાકા સાથે લગ્નનો દાવો

Wednesday 14th October 2026 06:27 EDT
 

અમદાવાદઃ વિદેશમાં આખી જિંદગી મહેનત કરીને વતનમાં શાંતિપૂર્ણ નિવૃત્ત જીવન ગાળવા ઇચ્છતા બિનનિવાસી ભારતીયો માટે લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. 83 વર્ષના યુએસ સિટીઝન કાકાની રૂ. 25 કરોડથી વધુની મિલકતો પચાવી પાડવાના કાવતરાના ભાગરૂપે તેમની 37 વર્ષીય ભત્રીજીએ કાકા સાથે 2022માં લગ્ન કર્યાં હોવાનો ચોંકાવનારો દાવો કરીને મહારાષ્ટ્રનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું છે. પિતાના અવસાન બાદ વતન આવેલા NRI પુત્ર સમક્ષ પિતરાઈ બહેને ‘હું તારી મા છું’ તેવો દાવો કરતાં યુવક હેબતાઈ ગયો હતો. સમગ્ર મામલે પિતાની મિલકત હડપવાના રચાયેલા ષડયંત્ર અંગે પુત્રએ પોલીસમાં અરજી કરી ન્યાયની માગ કરી છે.
61 વર્ષની ઉંમરે પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લઈ ભારતમાં સેટલ થયેલા NRI કાકાની ભત્રીજી સેવાના બહાને રહેવા આવી હતી. પુત્રએ અમેરિકાથી આવી સારવાર કરાવ્યા બાદ ફરી વિદેશ જતાં જ ભત્રીજીએ ડાયાલિસિસ બંધ કરાવી દીધું હતું. આ સ્થિતિમાં 1 ઓગસ્ટે વૃદ્ધનું અવસાન થયું હતું. ભત્રીજીએ વૃદ્ધના રૂ. 60 લાખ સેરવી લેવા ઉપરાંત 30 હજાર ડોલર પણ પચાવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.


comments powered by Disqus