અમદાવાદઃ પ્રખ્યાત ભારતીય ક્રિકેટરો હર્ષલ પટેલ, રાહુલ તેવટિયા અને જયંત યાદવના કરોડો રૂપિયા મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની બીઝેડ (BZ) ગ્રૂપની પોન્ઝી સ્કીમોમાં ફસાયેલાં નાણાં પાછા મેળવવા આ ક્રિકેટરોએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આઇપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સના પૂર્વ મેનેજર ધવલ શાહે આ ક્રિકેટરો પાસે ભૂપેન્દ્ર ઝાલાની પોન્ઝી સ્કીમમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. જો કે બાદમાં બીઝેડ ગ્રૂપના કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થતાં ત્રણેય ભારતીય ક્રિકેટરોનાં નાણાં ડૂબી ગયાં હતાં. ક્રિકેટર હર્ષલ પટેલ તરફથી હાઇકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં જસ્ટિસ મોક્ષા કે. ઠક્કરે સીઆઇડી ક્રાઇમ અને બોડકદેવ પોલીસને સમગ્ર મામલે જરૂરી સૂચના મેળવી કોર્ટને જાણ કરવા નિર્દેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટરો હર્ષલ પટેલ, રાહુલ તેવટિયા અને જયંત યાદવના મળીને આશરે રૂ. 4 કરોડથી વધુ બીઝેડ ગ્રૂપની પોન્ઝી સ્કીમમાં સલવાયા છે. તે નાણાં પાછા મેળવવા ભારતીય ટીમના ક્રિકેટર હર્ષલ પટેલ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી અરજીમાં એડવોકેટ કિશન ચકવાવાલા દ્વારા રજૂઆત કરાઈ કે, આઇપીએલ ફ્રેન્ચાઇઝીના તત્કાલીન મેનેજર ધવલ શાહ હોવાથી ખેલાડીઓ તેમના સંપર્કમાં આવ્યા હતા. ધવલ શાહે અરજદાર ક્રિકેટરોને ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમોમાં સારું રોકાણ કરાવી આપવાની અને ખૂબ ઓછા સમયમાં બહુ ઊંચું વળતરની લાલચ આપી નાણાં રોકાવ્યાં હતાં.
જોકે, બાદમાં ભૂપેન્દ્ર ઝાલાના હજારો કરોડના કૌભાંડનો પર્દાફાશ થતાં આ ત્રણેય ક્રિકેટરોએ પોતાના પૈસા પાછા મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ધવલ શાહ અને તેના સાગરીતોએ હાથ ઊંચા કરી દીધા હતા. આથી ક્રિકેટરો તરફથી બોડકદેવ-બોપલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પ્રયાસ કરાયો હતો. જો કે પોલીસે જણાવ્યું હતું કે, સીઆઇડી ક્રાઈમમાં ફરિયાદ થઈ હોવાથી નવી ફરિયાદ નોંધી શકાય નહીં. જેથી ક્રિકેટરોએ હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, આ અત્યંત ગંભીર ગુનો અને કરોડો રૂપિયાનો સવાલ હોવાથી પોલીસે અલગથી એફઆઈઆર દાખલ કરવી જોઈએ.
