લાઠીઃ ધાર્મિક કાર્યની સાથે જ્યારે અબોલ જીવો પ્રત્યેની સંવેદના, સેવા અને પ્રેમનો અનોખો સંગમ થાય ત્યારે એક અનેરો અવસર જન્મે છે. પક્ષીપ્રેમની સંવેદનાથી તરબતર એવા મહાન રાજવી કવિ સ્વ. સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કવિ કલાપીના ગામ લાઠીમાં 160 વર્ષથી પક્ષી માટેનું ચણ એકત્ર કરવા મા શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવની ઉજવણી વિવિધ નાટકોની પ્રસ્તુતિના માધ્યમથી કરાય છે, તે ખરેખર નવાઈ જન્માવે તેવી પ્રેરક બાબત છે.
દરવર્ષે નવરાત્રીમાં ભજવાતાં આ નાટકો 160 વર્ષ પૂર્વે લાઠીના સંત પૂ. શ્રી વસંતદાસજી બાપુએ સ્થાપેલા શ્રી મહાકાળી નવરાત્રી નાટક મંડળ દ્વારા ભજવાય છે. સામાજિક-ધાર્મિક પરંપરા, ભવ્ય ઇતિહાસ, સંસ્કૃતિ અને સમાજ જીવનનું આબેહૂબ પ્રતિબિંબ ઝીલતાં આ નાટકો કલાપીના પક્ષીજગત પ્રત્યે પ્રેમ અને લાગણીને વાચા આપે છે. રાજાશાહી વખતનો આ સિલસિલો આજે દોઢ સદીથી અવિરત ચાલતો આવે છે. જૂની પેઢીના કલાકારો દ્વારા નવી પેઢીના કલાકારોને અવિરત મળતા માર્ગદર્શનના પરિણામે આજે પણ આ નવરાત્રી ઉત્સવનો મૂળભૂત સેવાકીય હેતુ જળવાઈ રહ્યો છે.

