વી વિલ ડુ ઇટ... 2047 સુધીમાં વિકસિત ભારતને શક્ય બનાવીશુંઃ મોદી

Wednesday 14th October 2026 07:06 EDT
 
 

નવી દિલ્હીઃ 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે જ તેવી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વી વિલ ડુ ઈટ’નું નવું સૂત્ર આપ્યું હતું. સરકારના વડા તરીકે સતત 25 વર્ષ પૂર્ણ કરનારા વડાપ્રધાન મોદીની ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી નિમિત્તે યોજાયેલા ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ કાર્યક્રમને સંબોધતાં પીએમ મોદીએ વિવિધ ક્ષેત્રોમાં તેમની સરકારે મેળવેલી સફળતાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, એક સમયે જેના વિશે વિચારવું પણ શક્ય નહોતું તે આજે શક્ય બન્યું છે.
મોદીએ વધુમાં ઉમેર્યું કે, આજે 2026માં આપણે જે વિકસિત ભારતનું સ્વપ્ન જોઈ રહ્યાં છીએ તે ચોક્કસ સાકાર થશે. ભારત માટે અટકવાનું હવે કોઈ કારણ નથી. આજથી 100 વર્ષ અગાઉ આપણી વસ્તી 40 કરોડથી પણ ઓછી હતી, જ્યારે આજે આપણે 140 કરોડ છીએ. આપણે ભેગા મળીને 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવીશું, અને આપણે તે ચોક્કસ કરીશું, આપણે તે કરીને જ રહીશું.
વિકાસની વાતો સાથે જ તેમણે વોટબેન્ક માટે જાતિઓમાં ભાગલા પડાવવાની રાજનીતિની ટીકા કરતાં તેને દેશ સામેનો સૌથી મોટો અવરોધ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આપત્તિ કે સંકટ કોઈ જાતિ કે સમુદાયને જોઈને નથી ત્રાટકતું, તેનાથી તમામ લોકો સમાન રીતે પ્રભાવિત થાય છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, 25 કરોડ લોકો એક દાયકામાં ગરીબીરેખાથી બહાર આવી જશે તેવું કોણે વિચાર્યું હતું, છતાં ભારતે તે કરી બતાવ્યું છે.
આપણે શક્ય બનાવીશું
વી વિલ ડુ ઈટનું નવુ સૂત્ર આપતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, 2047 સુધીમાં આપણે વિકસિત ભારત બનાવીને જ રહીશું, ટોચની 3 અર્થવ્યવસ્થામાં ભારતને સ્થાન અપાવીને જ રહીશું. આત્મનિર્ભરતાથી આપણે દેશને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવીને જ રહીશું. ઓલિમ્પિક્સનું આયોજન કરવાની સાથે અંતરીક્ષમાં પ્રવેશ કરીને જ રહીશું. આ ઊર્જા, ઉત્સાહ તથા આ વિશ્વાસ અસાધારણ છે.
પીએમ મોદી પર અભિનંદન વર્ષા
સરકારના વડા તરીકે સળંગ 25 વર્ષ પૂર્ણ કરનારા વડાપ્રધાન મોદીને જાપાન, નેપાળ, ફિલિપાઈન્સ, બેલ્જિયમ સહિતના વિશ્વભરના વડાઓએ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે તેમણે સંદેશ આપ્યો કે, મોદી વર્ષોથી ભારતીય સમાજ અને રાષ્ટ્રને વિકસિત બનાવવા માટે સતત મહેનત કરી રહ્યા છે. ભારતના વિકાસને વેગ આપવાની સાથે જ તેમણે ભારતની પ્રતિષ્ઠાને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઊંચાઈ આપી છે.


comments powered by Disqus