નવી દિલ્હીઃ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (ખાસ સુધારણા કાર્યક્રમ) પૂર્ણ થયા બાદ 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ મતદાર યાદીમાં આશરે 6.08 કરોડ મતદાતાઓનો ઘટાડો થયો છે. ઉત્તરપ્રદેશની આખરી મતદાર યાદી જાહેર થતાની સાથે જ આ પ્રક્રિયાનો બીજો તબક્કો હવે પૂરો થયો છે. ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, રાજસ્થાન, છત્તીસગઢ, કેરળ, પુડ્ડુચેરી, આંદામાન-નિકોબાર, લક્ષદ્વીપ, ગુજરાત, મધ્યપ્રદેશ અને ગોવાની અંતિમ યાદીઓ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે.
ગયા વર્ષે 27 ઓક્ટોબરે આ સરની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે આ 12 વિસ્તારોમાં કુલ 51 કરોડ મતદારો હતા. SIRની પ્રક્રિયા બાદ આ સંખ્યા ઘટીને 44.92 કરોડ થઈ ગઈ છે, એટલે કે કુલ 6.08 કરોડ નામ યાદીમાંથી ઓછાં થયાં છે.
બાકીનાં 17 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોના 40 કરોડ મતદારો માટે આ પ્રક્રિયા હવે પછી શરૂ થશે. શક્ય છે કે આ મહિનાની 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પછી તે હાથ ધરવામાં આવે. આસામમાં SIRને બદલે ‘સ્પેશિયલ રિવિઝન’ કરવામાં આવ્યું હતું, જે 10 ફેબ્રુઆરીએ પૂર્ણ થયું હતું. બિહારની જેમ જ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ રાજકીય પક્ષોએ આ પ્રક્રિયા સામે સુપ્રીમ કોર્ટમાં વાંધો ઉઠાવ્યો છે.
યુપીમાં બે કરોડ નામની કમી
ઉત્તર પ્રદેશમાં 166 દિવસ ચાલેલી ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિજન’ (સર) બાદ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિણવાએ જણાવ્યું કે, આ પ્રક્રિયા બાદ રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 13.39 કરોડ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2025ની સરખામણીએ સર પ્રક્રિયા બાદ અંદાજે 2.05 કરોડ મતદારોનાં નામ યાદીમાંથી ઓછાં કરવામાં આવ્યાં છે. અંતિમ યાદી મુજબ રાજ્યમાં 7.30 કરોડ પુરુષો અને 6.09 કરોડ મહિલા મતદારો છે, જ્યારે 1206 મતદારો થર્ડ જેન્ડરના છે. 18થી 19 વર્ષની વયના નવા મતદારોની સંખ્યા 17.83 લાખ છે. જેમના નામ રહી ગયા હોય તેઓ 'ફોર્મ-6' ભરીને હજુ પણ યાદીમાં જોડાઈ શકે છે. ગત જાન્યુઆરીની યાદીની તુલનામાં આ વખતે 84.28 લાખ મતદારોનો વધારો થયો છે.

