આહવાના ગલકુંડ ગામે પાંચ વર્ષ બાદ ફરી ખીલ્યું સૂરણનું ફૂલ

Wednesday 15th April 2026 07:21 EDT
 
 

સુરત: ડાંગના જંગલો અને હરિયાળીને આપણે ઘણી વાર કુદરતી અજાયબી માટે ઓળખીએ છીએ. ડાંગના ગલકુંડ ગામમાં પ્રકૃતિએ તેની કલમથી એક એવું પ્રકરણ લખ્યું છે, જેને જોવા માનવ મહેરામણ ઊમટી પડ્યું છે. ગામના પ્રગતિશીલ ખેડૂત અનિલભાઈ રાવજીભાઈ ગરાસિયાના ખેતરમાં સૂરણનું ફૂલ ખીલી ઊઠતાં સ્થાનિકો સહિત વનસ્પતિ શાસ્ત્રીઓમાં ભારે કુતૂહલ જાગ્યું છે.
સામાન્ય રીતે સૂરણનો ઉપયોગ આપણે રસોડામાં સ્વાદિષ્ટ શાકભાજી કે કંદ તરીકે કરીએ છીએ, પરંતુ તેનું ફૂલ જોવું એ એક લહાવો છે. ખેડૂતના જણાવ્યા અનુસાર આ ફૂલ અત્યંત દુર્લભ છે અને તે દર 5 વર્ષે માત્ર એક જ વાર ખીલે છે. આ ફૂલ એકવાર ખીલ્યા બાદ ગણતરીના દિવસોમાં જ કરમાઈ જાય છે અને ફરી 5 વર્ષ પછી જ તેનાં દર્શન થાય છે. આ અગાઉ વર્ષ 2021માં આવું ફૂલ જોવા મળ્યું હતું, જે હવે ફરી દેખાતાં ગ્રામજનો તેને કુદરતનો સાક્ષાત્કાર માની રહ્યા છે. ગલકુંડ ગામમાં સૂરણનું ફૂલ ખીલ્યું હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં આજુબાજુના ગામડાં અને આહવા નગરના લોકો આ અદભુત નજારો જોવા ઊમટી રહ્યા છે. આ ફૂલનો મુગટ જેવો આકાર અને તેની ઘેરી મરૂન આભા જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. સ્થાનિકોએ આ અંગે કૃષિ વૈજ્ઞાનિકો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે તેવી પણ માગ કરી છે.
ખેડૂતના જણાવ્યા પ્રમાણે ખેતરમાં ખીલેલું આ ફૂલ વનસ્પતિ જગતનો ‘લીવિંગ ફોસિલ’ ગણાય છે. જયારે આ ફૂલ સંપૂર્ણ ખીલે છે ત્યારે તે અનોખી આભા ફેલાવે છે. આ ફૂલની ખાસિયત એ છે કે તે જેટલું મોડું ખીલે છે, તેટલું જ વહેલું વિદાય લે છે. માત્ર 2 થી 3 દિવસના આયુષ્યમાં તે પોતાની તમામ સુંદરતા વિખેરીને ફરી માટીમાં મળી જાય છે.


comments powered by Disqus