ઉમરેઠ પેટાચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસ સહિત 6 ઉમેદવાર વચ્ચે જંગ ખેલાશે

Wednesday 15th April 2026 07:21 EDT
 
 

ઉમરેઠઃ ભારતના ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર રાજ્યની ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન થશે. આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ અને ભારતીય રાષ્ટ્રીય જનતાદળ ઉપરાંત 3 અપક્ષ ઉમેદવારો મળીને કુલ 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે.
જે મુજબ કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ, ભાજપ ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર, ભારતીય નેશનલ જનતાદળના ઉમેદવાર મૌલિકભાઈ શાહ ઉપરાંત જિતેશકુમાર સેવક, નિરૂપાબહેન માધુ અને મહેન્દ્રભાઈ પરમાર અપક્ષ ઉમેદવાર તરીકે મેદાને છે.
ઉમરેઠ બેઠક પર ‘આપ’ની પીછેહઠ
આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કોંગ્રેસ સાથે હવે કોઈ ચૂંટણી ગઠબંધન નથી અને ભાજપને હરાવવાના દાવા સાથે તમામ ચૂંટણી આમ આદમી પાર્ટી આપબળે લડશે. આ પ્રકારના આપના નેતાઓના દાવા છતાં અકળ કારણસર ઉમરેઠ વિધાનસભા બેઠક આપે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે, આપ ઉમરેઠ બેઠક પર તેમનો ઉમેદવાર ઊભો રાખશે નહીં.
ઉમરેઠની પેટાચૂંટણીમાં અગાઉ આપથી ભૂતપૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કીને ઉતારવામાં આવે તેવી વાતો વહેતી થઈ હતી. જો કે હાલ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે તેની વચ્ચે ગઢવીએ ઉમરેઠ બેઠક કરતાં આપની પ્રાથમિકતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમ કહીને વિધાનસભા પેટાચૂંટણીમાં આપ ઉમેદવાર ઊભો રાખવાનું નથી તેમ જણાવ્યું હતું. આપની આ પીછેહઠથી કોંગ્રેસ કે ભાજપ કોને ફાયદો થશે તે સવાલ રાજકીય વર્તુળોમાં ચર્ચામાં રહ્યો હતો.
ઇસુદાન ગઢવીએ આપના મહામંત્રી મનોજ સોરઠિયાને સુરતની ચૂંટણીના મુખ્ય ચહેરા તરીકે લડાવવાની જાહેરાત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે જ્યાં કોંગ્રેસને ઉમેદવાર નથી મળતા ત્યાં ભાજપ કોંગ્રેસને ઉમેદવાર પૂરા પાડી રહી છે. આપના અનેક નેતાઓને જેલમાં નાખવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
આ સાથે ઇસુદાને મલ્લિકાર્જુન ખડગે પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ખડગેએ ગુજરાતીઓ માટે અપમાનજનક શબ્દો વાપરીને ગુજરાતીઓનું અપમાન કર્યું છે.


comments powered by Disqus