ભુજઃ કચ્છની ઓળખસમાન અને તરતાં ઊંટ તરીકે ઓળખાતાં ખારાઇ ઊંટોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડાને ધ્યાને લઈ ‘કચ્છ ઊંટ ઊછેરક માલધારી સંગઠન’ અને ‘સહજીવન’ સંસ્થા દ્વારા ખારાઈ ઊંટ અને તેમના માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવાં ચેરનાં જંગલોના સંરક્ષણ માટે રાષ્ટ્રીય સ્તરીય પરામર્શ યોજાયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ ખારાઈ ઊંટ ઉછેરતા માલધારીઓના પ્રશ્નો અને પડકારોને પ્રત્યક્ષ રીતે સાંભળીને તેના માટે નીતિગત અને સંસ્થાગત ઉકેલો શોધવાનો હતો.
માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઈ રબારી દ્વારા ઉપસ્થિત મહેમાનોના સ્વાગત બાદ યોજાયેલા તકનિકી સત્રોમાં ચરિયાણ, ચેરનાં જંગલો પર પડતાં દબાણો અને ખારાઈ ઊંટના સંરક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ. વનવિભાગના એ.પી. સિંઘે માલધારીઓને ચેર વિસ્તારના સંયુક્ત વ્યવસ્થાપન અંગે સહકાર આપવાની ખાતરી આપી હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસરે ચેર વિસ્તારમાં થતા ગેરકાયદે ઔદ્યોગિક દબાણ સામે જરૂરી સહાયની ખાતરી આપી હતી.

