અમદાવાદઃ ગુજરાત તેમજ મુંબઈમાં તારશહેનાઈ વાદનમાં આગવું સ્થાન ધરાવતા કલાકાર હસમુખભાઈ નાગરદાસ ચાવડાનું 86 વર્ષની વયે વૃદ્ધાવસ્થાને કારણે શુક્રવારે સાંજે અવસાન થયું છે. તેમના નિધનથી સંગીતજગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
હસમુખભાઈ પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક સંગીત માર્તંડ પંડિત જસરાજના શિષ્ય હતા. હસમુખભાઈએ પોતાની કારકિર્દી દરમિયાન અનેક પ્રતિષ્ઠિત કલાકારો સાથે કામ કર્યું હતું. તેઓએ ભારતરત્ન પંડિત રવિશંકર જેવા મહાન કલાકારો સાથે પણ સંગત કરી હતી. તેઓ માત્ર શહેનાઈવાદક જ નહીં, પણ નૃત્યક્ષેત્રમાં પણ સક્રિય રહ્યા હતા. લિટલ બેલેટ ગ્રૂપ સાથે ડાન્સર તરીકે જોડાઈને તેમણે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. અમદાવાદના અનેક કલાકારોના કથક, ભરતનાટ્યમ, ઓડિશી જેવા શાસ્ત્રીય નૃત્યો માટે તારશહેનાઈ વાદન આપ્યું હતું.

