અમદાવાદઃ ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં કોમી તોફાનોના એક કેસમાં 24 વર્ષ બાદ પુરાવાના અભાવે તમામ 11 આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે હુકમ કર્યો છે.
માધવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગતો મુજબ 9 મે 2002એ બપોરે દિલ્હી દરવાજા, લાલકાકા શાકમાર્કેટ અને માધુપુરા માર્કેટ વિસ્તારમાં હિંસક તોફાનો થયાં હતાં. આક્ષેપ પ્રમાણે 3 હજારના ટોળાએ પથ્થરમારો અને સોડાની બોટલો ફેંકી હુલ્લડ મચાવ્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદી પક્ષ આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો છે. સાક્ષી તરીકે હાજર પોલીસ કર્મચારીઓએ સ્વીકાર્યું હતું કે હજારોના ટોળામાંથી આ જ આરોપીઓએ પથ્થરમારો કર્યો હતો કે કેમ તે ચોક્કસ કહી શકાય તેમ નથી. આરોપીઓની વિધિવત્ ઓળખ પરેડ પણ કરાઈ નહોતી. 24 વર્ષમાં તપાસ અધિકારીનું અવસાન થયું અને અન્ય સાક્ષીઓ પણ મળી આવ્યા ન હતા, જેની અસર કેસ પર પડી હતી. 11 પૈકી 2 આરોપીનું ટ્રાયલ દરમિયાન અવસાન થયું હતું.

