ટ્રમ્પ અને મોદી વચ્ચે 40 મિનિટની ટેલિફોનિક ચર્ચા

Wednesday 15th April 2026 07:21 EDT
 
 

નવી દિલ્હીઃ મંગળવારે 14 એપ્રિલે વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે લગભગ 40 મિનિટ સુધી ફોન પર વાતચીત થઈ. અમેરિકા-ઇરાન યુદ્ધવિરામ પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી. ફોન કોલ દરમિયાન મોદીએ ટ્રમ્પને કહ્યું, ‘ભારતના લોકો તમને પસંદ કરે છે.’
વડાપ્રધાન મોદીએ આ વાતચીત અંગે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મને મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે બંને દેશો વચ્ચે અલગ-અલગ ક્ષેત્રોમાં થયેલાં કામ અને પ્રગતિ પર વાત કરી. અમે એ પણ કહ્યું કે, આગળ જતાં ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરીશું. આ સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા થઈ અને આ વાત પર ભાર મુકાયો કે હોર્મુઝ ખુલ્લું અને સુરક્ષિત રહેવું ખૂબ જ જરૂરી છે.
20 દિવસમાં બીજી વખત ચર્ચા
આ પહેલાં મોદી અને ટ્રમ્પ વચ્ચે 24 માર્ચે ફોન પર વાત થઈ હતી. તે વાતચીતમાં બંને નેતાએ મિડલ ઇસ્ટની સ્થિતિ પર વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારત ઇચ્છે છે કે તણાવ ઓછો થાય અને ઝડપથી શાંતિ પુનઃ સ્થાપિત થાય. તેમણે હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો અને સુરક્ષિત રાખવાની અગત્યતા પણ જણાવી હતી, કારણ કે તેની અસર સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડે છે.
ભારતીય પ્રતિનિધિમંડળ ટ્રેડડીલ માટે એપ્રિલના અંતમાં US જશે
ભારત-અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા ભારતીય પ્રતિનિધિમંડળ આ મહિના અંતે વોશિંગ્ટન જશે. આ પગલાને બંને દેશો વચ્ચેની ટ્રેડડીલને ફાઇનલ કરવાની દિશામાં નવી પહેલ તરીકે જોવાય છે. આ જાહેરાત રાજદૂત સર્જિયો ગોર અને અમેરિકાના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેમિસન ગ્રીયર વચ્ચેની ચર્ચા બાદ કરાઈ છે. ગોરે કહ્યું, અમેરિકા અને ભારત પહેલેથી જ ટ્રેડ ડીલ પર સહમતિ વ્યક્ત કરી ચૂક્યા છે. અમે આ મહિનાના અંતે વોશિંગ્ટનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવા ઉત્સુક છીએ. આ કૂટનીતિક ગતિવિધિ વિદેશ સચિવ વિક્રમ મિસરીની ત્રણ દિવસની અમેરિકા યાત્રા સાથે ચાલી રહી છે.


comments powered by Disqus