નડિયાદઃ ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન ભગવાન રણછોડરાયજીનાં દર્શન કરવા માટે રોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. મંદિર પરિસરમાં ચાંદલો કરવા તેમજ બ્રહ્મભોજન અને અન્ય વિધિઓના નામે દર્શનાર્થીઓ પાસેથી પૈસા પડાવવામાં આવતા હોવાની ફરિયાદો છેલ્લા લાંબા સમયથી ઊઠી રહી છે. ગુરુવારે આવા જ એક દર્શનાર્થી સાથે તિલક કર્યા બાદ દક્ષિણાને લઈને તકરાર થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
જો કે ગુરુવારે દક્ષિણાને લઈને એક દર્શનાર્થી અને તિલક કરનારા બ્રાહ્મણ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આ વાત વણસ્યા બાદ દર્શનાર્થી દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસ દ્વારા તિલક કરનારા બ્રાહ્મણને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં દર્શનાર્થીને પણ બોલાવીને સમાધાન કરાવવામાં આવ્યું હતું. જો કે મંદિરમાં ઘટનાને પગલે ભક્તોમાં નારાજગી વ્યાપી છે.
