પાકિસ્તાન બોર્ડરથી ઘુસાડાયેલું રૂ. 25 કરોડનું ડ્રગ્સ બનાસકાંઠા હાઇવેથી ઝડપાયું

Wednesday 15th April 2026 06:16 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત અને રાજસ્થાન એટીએસની ટીમે જેસલમેર-બનાસકાંઠાને જોડતા નેશનલ હાઇવે પર સોમવારે જોઈન્ટ ઓપરેશન કરી રૂ. 25 કરોડના 5 કિલો એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાની ડ્રગ્સ માફિયાએ બાડમેરની સરહદમાં ઘૂસાડેલો ડ્રગ્સનો જથ્થો લઈ આરોપીઓ ડિલીવરી કરવા જતા હતા. તે સમયે પોલીસે વોચ ગોઠવી બંનેને પકડ્યા હતા. એટીએસએ બાડમેર પોલીસમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવી ડ્રગ્સ અંગે તપાસ હાથ ધરી છે.
ગુજરાત એટીએસએ બાતમી આધારે રાજસ્થાન એટીએસની ટીમ સાથે ઈનપુટ શેર કરી નેશનલ હાઈવે પર વોચ ગોઠવી ઈકો કારમાં પસાર થતા શંકરરામ રમેશરામ અને સલમાન લાલાખાન રહે, બાડમેરની ધરપકડ કરી બંને પાસેથી પાંચ કિલો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપીઓને ડ્રગ્સ પાકિસ્તાનના થરપારકર રહેતાં ડ્રગ્સ માફિયા મસાત મુબારકે મોકલ્યો હતો. મસાતે ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાન સરહદથી પાર કરાવી બાડમેર સરહદે મુકાવ્યો હતો, બાડમેર સરહદથી ડ્રગ્સનો જથ્થો લઈ બંને આરોપી શંકર અને સલમાન કારમાં ડિલિવરી આપવા માટે નીકળતાં ગુજરાત-રાજસ્થાન એટીએસની ટીમોએ ઝડપી લીધા હતા.
વોટસએપ ચેટ સહિતના પુરાવા મળ્યા
ગુજરાત એટીએસને આરોપી શંકરરામના મોબાઈલ ફોનમાંથી વોટસએપ ચેટ, કોલ રેકોર્ડ તેમજ વીડિયો જેવા મહત્વના ડિજિટલ પૂરાવા મળ્યા છે. જે આધારે આંતરરાષ્ટ્રીય સિન્ડીકેટ અંગે વધુ વિગતો મળી શકે તેમ છે. આરોપીઓ દ્વારા આ નેટવર્ક છેલ્લા કેટલા સમયથી ચલાવાતું હતુ. ગુજરાતના ડ્રગ્સ માફિયાઓ પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ સાથે વોટ્સએપથી સંપર્કમાં રહેતા હોવાની માહિતી બહાર આવી છે.


comments powered by Disqus