ભુજઃ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ગરીબ પરિવારોને રાહતદરે રાશન કિટ પૂરી પાડતા સેવાભાવી વૃદ્ધની તેમના જ ઘરમાં ઘૂસી નિર્મમ હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ મામલે ભુજની એક જાણીતી વ્યાપારી પેઢીના સંચાલકે પોલીસ સમક્ષ હાજર થઈ હત્યાની કબૂલાત કરતાં પોલીસ કાફલો પણ ચોંકી ઊઠ્યો હતો.
સાધર્મિક ચેરિટેબલ ટ્રસ્ટના 71 વર્ષીય રશ્મિભાઈ કનકલાલ શાહ પોતાના ઘરમાં એકાકી જીવન જીવતા હતા. ગત મોડી રાત્રે ભુજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 48 વર્ષીય વેપારી નિલેશ હસમુખભાઈ શાહે જાતે જઈને રશ્મિભાઈની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પ્રમુખસ્વામી નગરમાં રહેતા આ વેપારીએ કેમ વૃદ્ધની હત્યા કરી તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે, પરંતુ પ્રાથમિક તબક્કે રૂપિયાની ઉઘરાણી અને લેતીદેતીમાં આ લોહિયાળ ખેલ ખેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે હત્યાનાં અન્ય કારણો અંગે પણ તપાસ હાથ ધરી છે.
