નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટ દ્વારા મહિલા અનામત કાયદાને વહેલો અમલમાં મૂકવા તેમજ લોકસભાની સીટોનાં સીમાંકન માટે બંધારણમાં સુધારાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. બંધારણમાં સુધારો કરાયા પછી લોકસભા-વિધાનસભામાં મહિલાઓ માટે વહેલામાં વહેલી તકે 33 ટકા અનામતનો અમલ કરાશે. લોકસભાની સીટોની સંખ્યા વધારીને 816 કરાશે. આ માટે સરકાર દ્વારા 16થી 18 એપ્રિલ સુધી સંસદનું ખાસ સત્ર બોલાવાશે. વિપક્ષો આ માટે કેવું વલણ અપનાવે છે તે જોવાનું રહેશે. આ માટે સંસદમાં બંધારણ સુધારા ખરડો તેમજ સીમાંકન કાયદામાં સુધારા ખરડો રજૂ કરાશે.
વિપક્ષોનો વિરોધ
કોંગ્રેસે આ દરખાસ્ત પર પહેલેથી જ વિરોધ વ્યક્ત કરી દલીલ કરી છે કે, તમામ રાજ્યોમાં સીટોની સંખ્યામાં 50 ટકા વધારો કરવાથી દક્ષિણ ભારતની સાથે પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યોનાં હિતો જાળવવામાં નુકસાન થશે. DMKએ પણ આ દરખાસ્તનો વિરોધ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, આ ફોર્મ્યુલા ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર જેવાં મોટાં રાજ્યોની તરફેણમાં છે. સમાજવાદી પાર્ટીએ માગ કરી છે કે, 33 ટકા અનામત લાગુ કરવાનો આધાર 2027ની વસ્તીગણતરી હોવી જોઈએ.
વિરોધપક્ષોને મનાવવા વડાપ્રધાનનો પત્ર
મહિલા અનામત બિલના સમય મુદ્દે નારાજ વિપક્ષોને મનાવવા અને સર્વસંમતિ સાધવા પીએમ મોદી દ્વારા તમામ વિપક્ષોને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં બિલને સર્વસંમતિથી પાસ કરવા તમામ પક્ષને અને સાંસદોને અપીલ કરાઈ છે. તેમણે શનિવારે તમામ પક્ષનાં નેતાઓ અને સાંસદોને લખેલા પત્રમાં બિલ પર થનારી ચર્ચાને ઐતિહાસિક ગણાવી છે. મોદીએ કહ્યું છે કે સમાજની પ્રગતિ માટે મહિલાઓની પ્રગતિ અને ભાગીદારી મહત્ત્વની છે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા મહિલાઓ વધારે સક્રિય ભૂમિકા નિભાવે તે જરૂરી છે.
ભાજપનું વ્હીપ
ભાજપે આગામી વિશેષ સંસદ સત્રને લઈને લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો માટે વ્હીપ ઇશ્યૂ કરતાં 16થી 18 એપ્રિલ સુધી સદનમાં અનિવાર્ય ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવાનું કહ્યું છે. પક્ષ દ્વારા સ્પષ્ટ નિર્દેશ અપાયો છે કે, આ સમય દરમિયાન કોઈપણ સાંસદ અથવા મંત્રીને રજા નહીં અપાય. તમામ સભ્યોને સદનમાં હાજર રહેવા તથા સંસદીય કાર્યવાહીમાં ભાગીદારી સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે.

