લંડનમાં પતિએ પત્નીને ડિફેક્ટિવ પીસ કહી માર માર્યો

ભારત પરત આવી પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી

Wednesday 15th April 2026 06:17 EDT
 
 

અમદાવાદઃ બોડકદેવ વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલા જાણીતી સ્કૂલમાં ડિજિટલ માર્કેટિંગ મેનેજર છે. તેણે લંડનસ્થિત પતિ વિરુદ્ધ ગંભીર ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2011માં જિમમાં મિત્રતા થયા બાદ 2015માં બંનેએ લગ્ન કર્યાં હતાં અને બાદમાં લંડન શિફ્ટ થયાં હતાં. લંડન ગયા પછી પતિએ ઘરખર્ચ માટે પત્નીના પિયરથી પૈસા મગાવવાનું દબાણ શરૂ કર્યું હતું.
સસરા પાસેથી લાખો રૂપિયા પડાવી લંડનમાં મકાન ખરીદ્યું હોવા છતાં દસ્તાવેજમાં પત્નીનું નામ લખવા બાબતે પતિએ મારઝૂડ કરી હતી. હદ તો ત્યારે થઈ, જ્યારે પત્ની ગર્ભવતી હતી ત્યારે તેને ‘ડિફેક્ટિવ પીસ’ કહી પેટ પર લાતો મારી ગર્ભપાત કરાવવા ત્રાસ આપ્યો હતો.
પતિએ ધમકી આપી હતી કે જો તે છૂટાછેડા આપશે તો જ તેને ભારત જવા દેશે. આખરે ત્રાસથી કંટાળીને મહિલા પોતાના 4 વર્ષના પુત્ર સાથે લંડનથી પિયર અમદાવાદ આવી પહોંચી હતી અને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે લંડનસ્થિત આરોપી પતિ સામે તપાસ હાથ ધરી છે.
લંડનમાં અન્ય યુવતી સાથે અફેર હોવાથી પત્નીના વિઝા અટકાવ્યા
લંડન ગયા બાદ પતિ લાઇમ હાઉસમાં સોફી નામની યુવતી સાથે રહેતો હોવાની પત્નીને જાણ થઈ હતી. પત્નીએ સાથે રહેવા લંડન બોલાવવાનું કહેતાં બીજી યુવતી સાથેના સંબંધોને લીધે પતિએ પત્નીના વિઝા થવા દીધા નહોતા. બાદ સોફી સાથે અણબનાવ થતાં તેને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ તે પત્નીને લંડન લઈ ગયો અને સસરા પાસેથી પૈસા મેળવી લંડનમાં મકાન ખરીદ્યું હતું.
શું પગલાં લેવાઈ શકે?
આ સ્થિતિમાં ગુજરાત પોલીસ લંડનસ્થિત પતિને ઈ-મેઇલ કે દૂતાવાસ મારફતે સમન્સ મોકલી શકે છે. આ સ્થિતિમાં જો તે હાજર નહીં થાય તો LOC એટલે કે લૂકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવી શકે છે. અને એરપોર્ટ પર પકડવા બ્લૂ કોર્નર નોટિસ પણ ઇશ્યૂ થઈ શકે. આ સિવાય આરોપીનો પાસપોર્ટ રદ કરવા વિદેશ મંત્રાલયને પત્ર લખી કાયદાકીય પરિસ્થિતિને જોતાં પાસપોર્ટ રદ કરાશે. આ સિવાય બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરી ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરાશે.


comments powered by Disqus