લખતર હાઈવે પર ડમ્પરની ટક્કરથી 6 પદયાત્રી સહિત 7નાં મોત, 10 ઘાયલ

Wednesday 15th April 2026 06:16 EDT
 
 

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર સોમવારે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પદયાત્રીઓના સંઘને બેફામ ગતિએ આવતા એક ડમ્પરચાલકે કચડી નાખતાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં. આ દુર્ઘટનામાં 10થી 12 પદયાત્રી ઇજાગ્રસ્ત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે શોક વ્યક્ત કરી મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.
રાજકોટના દત્તા ગામથી નીકળેલો મુંધવા પરિવારનો આ સંઘ વિરમગામ રાજબાઈ માની ધજા ચઢાવી મેરા ગામે કથામાં જવાનો હતો. રાત્રે અઢી વાગ્યે હાઇવે પર ટ્રકનું ટાયર બદલવાનું કામ ચાલતું હતું, ત્યારે પાછળથી પૂરઝડપે આવતા ડમ્પરે પદયાત્રીઓ અને ટાયર બદલી રહેલા યુવાનને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 5 મહિલા અને 2 પુરુષનાં મોત થયાં છે. મૃતકોમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના રહીશોનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોના સ્વજન વનરાજભાઈ મુંધવાએ જણાવ્યું કે, અકસ્માતમાં તેમના મોટાબાપુ, મોટીબા, ફોઈ અને ભાભી એમ એક જ ઘરના 4 સભ્યનાં મોત નીપજ્યાં છે. આ સંઘમાં 500થી 600 લોકો સામેલ હતા. ઇન્ચાર્જ એસપીએ જણાવ્યું કે, ડમ્પરચાલકની અટકાયત કરાઈ છે.
વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલો અકસ્માત અત્યંત દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.’


comments powered by Disqus