જમીનના બદલામાં નોકરી કૌભાંડ કેસમાં આરજેડી વડા લાલુપ્રસાદ યાદવને સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોમાં તેમની સામે ચાલી રહેલી કાર્યવાહી સામે મનાઈ હુકમ ફરમાવવાની લાલુપ્રસાદની માગણીને ફગાવી દીધી છે.
• ચોમાસા દરમિયાન ગરમી વધુ, વરસાદ ઓછો રહેશેઃ હવામાન વિજ્ઞાન વિભાગે સોમવારે જારી કર્યું છે તે અનુસાર દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસાની સીઝન જૂનથી સપ્ટેમ્બરમાં દેશભરમાં 92 ટકા વરસાદ એટલે કે સામાન્યથી ઓછો રહી શકે છે. જેની સામે ગરમીમાં વધારો નોંધાઈ શકે છે.
• જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિઃ જલિયાંવાલા બાગ નરસંહારની વરસીએ આખા દેશે અમર સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધા અને સુમન સાથે યાદ કર્યા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા નેતાઓએ શહીદોને નમન કરીને તેમના બલિદાનને રાષ્ટ્રની અમૂલ્ય ધરોહર ગણાવ્યું.
• જસ્ટિસ યશવંત વર્માનું રાજીનામુંઃ જસ્ટિસ યશવંત વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ અલાહાબાદ હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમના નિવાસસ્થાને મોટા પ્રમાણમાં બળી ગયેલી ચલણી નોટો મળ્યા બાદ તેમની સામે આંતરિક તપાસ શરૂ કરાઈ હતી.
• બીએસએફ જવાનની હત્યા બાદ મણિપુરમાં કોમ્બિંગઃ મણિપુરના ઉખરૂલમાં બીએસએફ જવાનની હત્યા બાદ સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓને ઝડપવા શોધ અભિયાન ચલાવ્યું હતું. આ દરમિયાન ગેરકાયદે તૈયાર થયેલાં 21 બંકર્સને નષ્ટ કરાયાં હતાં.
• વૃંદાવનમાં શ્રદ્વાળુઓની બોટ પલટીઃ ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં શુક્રવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીંના કેસી ઘાટ પર શ્રદ્ધાળુઓથી ભરેલી એક હોડી પંટ્રન બ્રિજ સાથે અથડાઈને યમુના નદીમાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 10 શ્રદ્ધાળુઓનાં કરુણ મોત થયાં છે.
• પાકિસ્તાન પ્રેરિત 11 જાસૂસની ધરપકડઃ દિલ્હી પોલીસે આઇએસઆઇ અને બબ્બર ખાલસા સાથે જોડાયેલા આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કરતાં 11 આરોપીની ધરપકડ કરી છે. આ નેટવર્કે સૈન્ય વિસ્તારોમાં સોલર-પાવર્ડ સીસીટીવી કેમેરા લગાવી સેનાની મૂવમેન્ટની ફીડ પાકિસ્તાની હેન્ડલર્સ સુધી મોકલતા હતા.
• શેખ હસીનાને પરત મોકલોઃ ભારત સાથે બાંગ્લાદેશ સંબંધો સુધારવાના પ્રયાસમાં છે. બાંગ્લાદેશના વિદેશમંત્રી ખલીલૂર રહેમાને એસ. જયશંકર અને એનએસએ અજિત ડોવાલ સાથે મુલાકત કરી હતી અને પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને ગૃહમંત્રીના પ્રત્યાર્પણનો અનુરોધ કર્યો હતો.
• નીતિશ કુમારે રાજ્યસભા સાંસદના શપથ લીધાઃ બિહારનું લાંબા સમય સુધી સુકાન સંભાળનારા નીતિશ કુમારે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. શપથ પહેલાં તેમણે સંસદભવનમાં ગૃહના નેતા જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી. રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને ઉપલા ગૃહના સભ્યપદના શપથ લેવડાવ્યા.

