જામનગરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીની વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા ‘વનતારા’એ જામનગરમાં ‘વનતારા યુનિવર્સિટી’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ વન્યજીવ સંરક્ષણ અને વેટરનરી સાયન્સને સમર્પિત વિશ્વની પ્રથમ એકીકૃત વૈશ્વિક યુનિવર્સિટી હશે, જેનો પાયો પશુ કલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને કરુણા પર આધારિત છે.
આ પ્રસંગે અનંત અંબાણીએ કહ્યું કે, સંરક્ષણનું ભવિષ્ય એ વાત પર નિર્ભર કરશે કે આપણે લોકો અને સંસ્થાઓને કરુણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવોની સેવા માટે કેવી રીતે તૈયાર કરીએ છીએ. વનતારા યુનિવર્સિટીની પરિકલ્પના સંકટમાં ફસાયેલાં પશુઓને નજીકથી જોયા બાદ તેમની સંભાળની જરૂરિયાતના વ્યક્તિગત અનુભવથી જન્મી છે. આ સંસ્થાન નાલંદા વિશ્વવિદ્યાલયની ભાવના અને ‘આ નો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ’ (તમામ દિશાથી શ્રેષ્ઠ વિચારો અમારી પાસે આવે)ના આદર્શથી પ્રેરિત છે. તેનો હેતુ એવી નવી પેઢી તૈયાર કરવાનો છે જે દરેક જીવનની રક્ષા માટે સમર્પિત હોય. આ વિચારસરણીને પ્રતીકાત્મક રૂપથી દર્શાવવા શિલાન્યાસ સ્થળના ડિઝાઇનમાં બે બિજોલિયા બલુઆ પથ્થરોને સામેલ કરવામાં આવ્યા છે. આ પથ્થરો પ્રાચીન વિંધ્ય ભૂ-સ્તરમાંથી લેવામાં આવ્યા છે. જે પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયની ભૌગોલિક સંરચના સાથે જોડાયેલા માનવામાં આવે છે. આ ભારતની જ્ઞાન અને શિક્ષણની સતત પરંપરાનું પ્રતીક છે.
સ્પેશિયલાઈઝ્ડ પ્રોગ્રામ પણઃ યુનિવર્સિટી
વાઇલ્ડ લાઇફ મેડિસિન એન્ડ સર્જરી, પશુપોષણ અને વ્યવહાર વિજ્ઞાન, જેનેટિક્સ, એપિડેમિયોલોજી અને ‘વન હેલ્થ’, કન્ઝર્વેશન પોલિસી જેવા વિષયો પર યુજી. પીજી, ફેલોશિપ અને સ્પેશિયલાઇઝડ પ્રોગ્રામ ચલાવશે. સામાજિક અને આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ આપવામાં આવશે.
ભારતની જ્ઞાન પરંપરા અને જૈવ-વિવિધતાનો સંગમ
હિન્દુ પરંપરાઓ અનુસાર યોજાયેલા ભવ્ય શિલાન્યાસ સમારોહમાં શિક્ષણ, વિજ્ઞાન અને સંરક્ષણ ક્ષેત્રના દિગ્ગજો સહિત અનંત અંબાણીના શિક્ષકો અને માર્ગદર્શકો પણ સામેલ થયા હતા. મુખ્ય આકર્ષણ દેશના અલગ-અલગ ખૂણેથી લાવવામાં આવેલી માટી, જળ અને પથ્થરોને વિધિ-વિધાન સાથે સ્થાપિત કરવાનું હતું. આ તત્ત્વો ભારતની સમૃદ્ધ જૈવ—વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે.

