રાયપુરઃ છત્તીસગઢના શક્તિ જિલ્લાના વેદાંતા પાવર પ્લાન્ટમાં મંગળવારે બપોરે બોઇલર ફાટ્યું. આ દુર્ઘટનામાં 12 શ્રમિકોનાં મોત થયાં છે. બોઇલર બ્લાસ્ટ થતાં 4 શ્રમિકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે 18 ઘાયલોને રાયપુરની જિંદલ ફોર્ટિસ હોસ્પિટલમાં પહોંચાડાયા હતા, જ્યાં 8 શ્રમિકોએ દમ તોડ્યો છે. હોસ્પિટલમાં દાખલ અન્ય 10 ઘાયલોની હાલત ગંભીર છે. મોટાભાગના શ્રમિકો 80 ટકા સુધી દાઝી ગયા છે.
વેદાંતા પાવર પ્લાન્ટમાં થયેલી દુર્ઘટનામાં 30થી 40 શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા છે. દુર્ઘટના બાદ પ્લાન્ટની બહાર શ્રમિકોના પરિવારોએ મેનેજમેન્ટની સામે કાર્યવાહીની સાથે વળતરની માગ સાથે હોબાળો મચાવ્યો હતો. કેટલાક શ્રમિકો હજુ ગુમ છે. પરિજનોનું કહેવું છે કે, મેનેજમેન્ટ કોઈ માહિતી આપી રહ્યું નથી. જ્યારે કલેક્ટર અમૃત વિકાસ તોપનોએ મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે.
સહાયની જાહેરાત
દુર્ઘટના બાદ PMO દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડથી પ્રત્યેક મૃતકોના પરિવારને રૂ. 2-2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50-50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ મૃતકોના પરિવારજનોને રૂ. 5-5 લાખ અને ઘાયલોને રૂ. 50 હજાર આપવામાં આવશે.

