પટણાઃ નીતિશ કુમાર રાજ્યસભા સાંસદ બનતાં જ બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી જાહેર થઈ ચૂક્યા છે. સમ્રાટને પહેલા ભાજપ અને પછી NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.
આ સાથે 15 એપ્રિલે લોકભવનમાં શપથગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો. આ સાથે બિહારમાં પહેલીવાર ભાજપના મુખ્યમંત્રી શાસનની ધુરા સંભાળી રહ્યા છે. વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં NDAની બેઠકમાં નીતિશ સમ્રાટના પ્રસ્તાવક બન્યા. નીતિશે તેમને માળા પહેરાવી, જેની સામે સમ્રાટે પણ પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા. ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ સમ્રાટે કહ્યું કે, ‘મેં નીતિશજી પાસેથી રાજનીતિ શીખી છે, મેં તેમની સાથે કામ કર્યું છે. તેમના સમૃદ્ધ બિહારને વધુ આગળ લઈ જવાનું છે.’
મંગળવારે નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. તેઓ સમ્રાટ ચૌધરી અને વિજય ચૌધરી સાથે એક જ ગાડીમાં રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું હતું.
રાજીનામા બાદ નીતિશે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘હવે નવી સરકાર અહીંનું કામ જોશે. નવી સરકારને મારો પૂરો સહયોગ રહેશે. આગળ પણ ખૂબ સારું કામ થશે, બિહાર ખૂબ આગળ વધશે.’
શક્ય હતું ત્યાં સુધી બિહાર માટે કામ કર્યું
નીતિશના રાજીનામા પહેલાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન નીતિશકુમારને મળવા પહોંચ્યા હતા. તેમની સાથે સમ્રાટ ચૌધરી અને ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. આજે નીતિશ કેબિનેટની છેલ્લી બેઠક થઈ, જેમાં નીતિશે કહ્યું, ‘2005માં હું સરકારમાં આવ્યો, જ્યાં સુધી મારાથી બન્યું મેં કર્યું, નવી સરકારને મારું માર્ગદર્શન મળતું રહેશે.’

