અમદાવાદઃ નારણપુરામાં રહેતા અને અમેરિકન સિટિઝન ધરાવતા 78 વર્ષીય નિવૃત્ત શિક્ષિકા અને તેમના પતિને 11 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને સાઇબર ગઠિયાઓએ રૂ. 33 લાખ પડાવી લીધા હતા. આ કિસ્સામાં ગઠિયાએ એટીએસના અધિકારી તરીકે ઓળખ આપીને એક આતંકવાદીના ફાર્મહાઉસથી લાખો રૂપિયા, હથિયારો અને શિક્ષિકાના પતિનું આધારકાર્ડ મળ્યું હોવાનું કહી તેમને ડરાવ્યાં હતાં. દંપતી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહી વેરિફિકેશન માટે પૈસા માગ્યા હતા.
નારણપુરામાં રહેતા 78 વર્ષના અરુણાબહેન (નામ બદલેલ છે) સ્કૂલમાંથી શિક્ષિકા તરીકે નિવૃત્ત થયાં હતાં. તેમનો દીકરો-દીકરી પરિવાર સાથે અમેરિકામાં રહે છે અને અરુણાબહેન અને તેમના પતિ પણ અમેરિકાની સિટિઝનશિપ ધરાવે છે. 2 એપ્રિલે સવારે 10 વાગ્યે અરુણાબહેનને વીડિયો કોલ આવ્યો હતો, જેમાં સામેવાળાએ હિન્દીમાં વાત કરીને પોતાની ઓળખ એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડના ઓફિસર વિક્રમસિંહ તરીકે આપી હતી. તેણે અરુણાબહેનને કહ્યું કે, તેમની ટીમે એક આતંકીના ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો. અને ત્યાંથી હથિયારો, રોકડ અને 20 આધાર કાર્ડ મળ્યાં હતાં, તે પૈકી એક તમારા પતિનું આધારકાર્ડ હતું. તેની મદદથી પહેલગામમાં બેન્ક એકાઉન્ટ ખોલાવાયું હતું, જેમાં લાખો રૂપિયાનું મની લોન્ડરિંગ થયું છે. આમ કહી સામેની વ્યક્તિએ હથિયારો, લાખો રૂપિયા અને આધાર કાર્ડના ઢગલાનો ફોટો મોકલ્યો હતો.

