સુરત બનશે સ્પોર્ટ્સ અને કલ્ચરલ હબ

જહાંગીરપુરામાં ઓલિમ્પિક સાઈઝ પુલ અને વેસુમાં રાજ્યનું પ્રથમ સિનર્જી અરેના બનશે

Wednesday 15th April 2026 07:21 EDT
 
 

સુરતઃ મહાનગરપાલિકા કમિશનર એમ. નાગરાજને શહેરના સર્વાંગી વિકાસ માટે જહાંગીરપુરા અને વેસુ વિસ્તારમાં બે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ 2026-’27ના બજેટમાં આયોજિત આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સવલતો પૂરી પાડવાનો અને નાગરિકોને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અત્યાધુનિક મંચ આપવાનો છે.
જહાંગીરપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
જહાંગીરપુરામાં 17,000 ચોરસ મીટરના પ્લોટ પર એક ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરાશે. આ સંકુલમાં ઓલિમ્પિક માપદંડ મુજબનો સ્વિમિંગ પુલ અને ‘લર્નર્સ પુલ’ તૈયાર કરાશે. ઇનડોર સુવિધામાં અત્યાધુનિક જિમ, બેડમિન્ટન કોર્ટ અને ટેબલ ટેનિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુવાનોની પસંદગીને ધ્યાને રાખીને પિકલબોલ, વોલીબોલ અને બોક્સ ક્રિકેટ માટે ખાસ મેદાન બનાવાશે. મુલાકાતીઓ માટે કેફેટેરિયા અને સ્પોર્ટ્સ યુટિલિટી શોપની વ્યવસ્થા પણ હશે.
ગુજરાતનું પ્રથમ ‘સિનર્જી અરેના’
વેસુમાં 25,000 ચોરસ મીટર જગ્યામાં ‘સિનર્જી અરેના’ આકાર લેશે, જે રાજ્યનો પ્રથમ ‘ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ-આર્ટ્સ ફેસિલિટી’ પ્રોજેક્ટ હશે. સંકુલમાં 1500 લોકોની ક્ષમતાનું આધુનિક ઓડિટોરિયમ અને એક્ઝિબિશન કે સેમિનાર માટે 1200 લોકોની ક્ષમતાનો કન્વેન્શન હોલ બનાવાશે. સામાજિક પ્રસંગો માટે બેન્ક્વેટ હોલ અને બહારથી આવતા મહેમાનોના રોકાણ માટે 15થી 20 હાઇએન્ડ હોટેલ રૂમ્સની સુવિધા પણ આ પ્રોજેક્ટનો ભાગ છે.


comments powered by Disqus